સુરત શહેરના પર્વત પાટીયા BRTS જંકશન પરથી તંત્રની ઘોર બેદરકારી અને ડ્રાઈવરની બેફામ અસંવેદનશીલતાની ઘટના સામે આવી છે. BRTS બસમાં મુસાફરો ચઢી રહ્યા હતા તે જ સમયે ડ્રાઈવરે અચાનક બસ ચાલુ કરી દરવાજો બંધ કરી દેતા એક વૃદ્ધનો હાથ ફસાઈ ગયો હતો.
બસ સહેજ આગળ વધતાં વૃદ્ધ રસ્તા પર 2થી 3 ફૂટ સુધી ઢસડાયા હતા, જ્યારે તેમની પાછળ ચઢતા અન્ય બે યુવકો પણ તેમની ઉપર પડ્યા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ચાલુ બસે દરવાજામાં વૃદ્ધનો હાથ ફસાયો
મળતી વિગતો મુજબ પર્વત પાટીયા જંકશન પર લાંબા સમય સુધી બસ ન આવવાના કારણે મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ હતી. બસ સ્ટેન્ડ પર આવતાં જ લોકો બસમાં ચડવા માટે ઉતાવળ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરે મુસાફરો પૂરી રીતે અંદર પહોંચે તે પહેલાં જ બસ આગળ વધારી દીધી હતી. દરવાજો બંધ થતાં વૃદ્ધનો હાથ ફસાઈ ગયો હતો અને તેઓ નીચે પટકાઈને ઢસડાયા હતા. જોકે, આસપાસના લોકોના બૂમરાણ બાદ બસ તાત્કાલિક રોકી દેવાતાં મોટો અકસ્માત ટળ્યો હતો.
ઓછી બસો અને બેફામ ડ્રાઈવિંગથી મુસાફરો પર જીવનું જોખમ
સ્થાનિક લોકો અને રોજના મુસાફરોનો આક્રોશ છે કે, સુરત મહાનગરપાલિકાનું BRTS તંત્ર પુરતી બસો દોડાવવામાં નિષ્ફળ નીવડ્યું છે.
- ઓછી બસો: જરૂરિયાત સામે બસોની સંખ્યા ઓછી હોવાથી સ્ટેશનો પર ભારે અરાજકતાનો માહોલ સર્જાય છે.
- બેફામ ઝડપ: ડ્રાઈવરો નિયમિતપણે ગતિ મર્યાદા બહાર અને અતિશય ઝડપે બસો હંકારે છે, જેના કારણે અંદર ઉભેલા મુસાફરો સંતુલન ગુમાવી દે છે.
- દરવાજા ખુલ્લા રાખવા: ચાલુ બસે પણ ઓટોમેટિક દરવાજા ખુલ્લા રાખીને બસ ચલાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે.




Leave a Comment