BCCIના આ નિર્ણયથી ચાહકોમાં ખુશી જોવા મળી રહી છે. આ દરમિયાન ભુવનેશ્વરની વાપસીથી તેમની પત્ની નુપુર નાગર પણ ભાવુક થઈ હતી અને સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
નુપુરે BCCIની પોસ્ટ શેર કરી
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે BCCIએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કર્યા બાદ તેમાં ભુવનેશ્વર કુમારનું નામ સામે આવ્યું હતું. આ જાહેરાતના થોડા કલાકો બાદ નુપુર નાગરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર BCCIની ટીમ જાહેરાતવાળી પોસ્ટ ફરી શેર કરી હતી.
નુપુરે આ પોસ્ટ સાથે માત્ર ‘આભાર’ લખ્યું હતું. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. લાંબા સમય બાદ ભુવીની ટીમ ઈન્ડિયામાં વાપસી તેમના પરિવાર અને ચાહકો માટે પણ ખાસ ક્ષણ બની છે.
નવેમ્બર 2022 બાદ T20 ટીમમાં વાપસી
ભુવનેશ્વર કુમાર ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યા છે. જોકે, તેમની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2022માં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ હતી. હવે લગભગ ચાર વર્ષ બાદ તેઓ ફરી ન્યૂઝીલેન્ડ સામે T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળી શકે છે.
IPL 2026માં શાનદાર પ્રદર્શનથી મળી તક
ભુવનેશ્વર કુમારને ટીમમાં સ્થાન તેમના તાજેતરના પ્રદર્શનના આધારે મળ્યું છે. 2026ની IPL સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમતા ભુવીએ તમામ 16 મેચમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કુલ 28 વિકેટ ઝડપી હતી અને સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં બીજા સ્થાને રહ્યા હતા. તેમના આ પ્રદર્શન બાદ ભારતીય ટીમમાં વાપસીનો રસ્તો ખુલ્યો હતો.



