![]()
Pakistan Reacts To Vaibhav Suryavanshi : રાજસ્થાન રોયલ્સના 15 વર્ષના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે એલિમિનેટર મેચમાં માત્ર 29 બોલમાં 97 રનની તોફાની ઈનિંગ રમીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. વૈભવના આ પરાક્રમની ચર્ચા ભારત કરતાં પણ પાકિસ્તાનમાં વધુ થઈ રહી છે. ત્યાંના પૂર્વ ક્રિકેટરો અને રમતગમતના નિષ્ણાતો વૈભવના વખાણ કરતાં થાકતા નથી અને તેને ક્રિકેટનો આગામી સુપરસ્ટાર ગણાવી રહ્યા છે.
પાકિસ્તાની કોચે વૈભવને ‘મિસ્ટર યુનિવર્સ’ ગણાવ્યો
વૈભવ 28 બોલમાં 97 રન બનાવીને ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો 30 બોલમાં સદીનો રેકોર્ડ તોડવાની નજીક હતો, પરંતુ પ્રફુલ્લ હિંગેના બોલ પર કેચ આઉટ થઈ ગયો હતો. તેના આ પ્રદર્શનથી પ્રભાવિત થઈને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને કોચ બાસિત અલીએ પોતાની યુટ્યુબ ચેનલ પર વૈભવને ‘કોમ્પ્લાન બોય’ કહીને તેની સરખામણી ગેલ સાથે કરી હતી. તેમણે તાળીઓ વગાડતા કહ્યું કે, ‘ગેયલ હતા મિસ્ટર યુનિવર્સ પરંતુ હવે તો આ બાળક મિસ્ટર યુનિવર્સ બની ગયો છે. કોમ્પ્લાન પીવા વાળો બબલૂ… તમે કહો છો કે હું તેને સૂર્યવંશી કહું. શું જબરદસ્ત બેટિંગ કરી છે… આવનારા દિવસોમાં ગેલનો રેકોર્ડ પણ તોડી નાખશે આ બાળક. જ્યારે આ બબલૂ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમશે ત્યારે આખી દુનિયામાં છવાઈ જશે. ઈસ્ટ ટુ વેસ્ટ, સૂર્યવંશી ઈઝ ધ બેસ્ટ… તમે મિસ્ટર યુનિવર્સ છો, બસ આવી જ રીતે રમતા રહો.’
‘શું આ બાળક એઆઈ જનરેટેડ છે?’
પાકિસ્તાની ન્યૂઝ શો અને સોશિયલ મીડિયા પર પણ વૈભવના જ ભરપૂર વખાણ થઈ રહ્યા છે. કરાચીના એક નાગરિકે કહ્યું કે, ‘કરાચીમાં ઈદ, પરંતુ લોકો સૌથી વધુ અભિનંદન વૈભવ સૂર્યવંશીને આપી રહ્યા છે.’ આ શોના હોસ્ટે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે, ‘29 બોલમાં આ બાળકે 97 રન બનાવ્યા છે અને સાડા ત્રણસોની સ્ટ્રાઈક રેટ છે. સામે કોઈ પણ બોલર હોય, બધાને ધોઈ રહ્યો છે. દુનિયા આ જોઈને હેરાન છે કે આ બાળક ક્યાંય એઆઈ જનરેટેડ (AI Generated) તો નથી ને!’
પેટ કમિન્સ જેવા બોલરને પણ આસાનીથી રમી ગયો
પાકિસ્તાનના સ્પોર્ટ્સ એનાલિસ્ટ મોહમ્મદ મોહસિને વૈભવની મહેનતના દમદાર વખાણ કરતા કહ્યું કે, ‘આવું ક્રિકેટ મેં ક્યારેય જોયું નથી અને વિચાર્યું પણ નહોતું. વૈભવ પાસે ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ છે. તે પેટ કમિન્સ જેવા દિગ્ગજ બોલરને પણ સરળતાથી રમી ગયો, દબાણમાં રમવું તેનામાં નથી. તે સદીની ચિંતા કર્યા વગર માત્ર પોતાની રમત રમ્યો. મેં પણ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી તે આઉટ નહીં થાય ત્યાં સુધી હું જમીશ નહીં.’
‘પાકિસ્તાની ક્રિકેટરો, શરમ કરો’
પાકિસ્તાનમાં IPL પર પ્રતિબંધ હોવા છતાં લોકો VPNનો ઉપયોગ કરીને વૈભવની ઈનિંગ વારંવાર જોઈ રહ્યા છે. ત્યાંના એક સ્પોર્ટ્સ એન્કરે પાકિસ્તાની ખેલાડીઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘વૈભવ સૂર્યવંશીએ જે કર્યું છે તેનાથી સોશિયલ મીડિયા પર આપણા ક્રિકેટરોને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે કે શરમ કરો. આપણા સ્ટાર બોલર હારિસ રઉફ એવું કહે છે કે વૈભવ આપણી સામે કંઈ નથી, પણ ખુદા ન ખાસ્તા, જો ક્યારેય વૈભવનો સામનો શાહીન આફ્રિદી કે હારિસ રઉફ સાથે થઈ ગયો, તો 6 બોલમાં 6 છગ્ગા નક્કી જ છે.’
વૈભવની ઉંમર અંગે પણ ઉઠ્યા સવાલો
પાકિસ્તાનમાં જ્યાં એકતરફ વૈભવના બેટિંગની વાહવાહી થઈ રહી છે, ત્યાં બીજી તરફ તેની ઉંમરને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના વરિષ્ઠ રમત પત્રકાર અબ્દુલ ગફારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, ‘મને નથી લાગતું કે વૈભવ માત્ર 15 વર્ષનો છે. તે ડોમેસ્ટિક અને આઈપીએલમાં જે કરી રહ્યો છે તે સારું છે, પરંતુ તેની અસલી પરીક્ષા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં થશે. અસલ ઇમ્તિહાન હજુ બાકી છે.’



Leave a Comment