ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં રમાયેલી ચોથી T20 મેચમાં પણ ટીમ ઇન્ડિયાને કારમો પરાજય વેઠવો પડ્યો છે. ઇંગ્લેન્ડે ભારતને 9 વિકેટે હરાવીને 5 મેચની સિરીઝમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે અને સાથે જ શ્રેણી પર કબજો જમાવ્યો છે. વરસાદને કારણે પ્રથમ મેચ રદ રહી હતી, પરંતુ બાકીની ત્રણેય મેચમાં ભારતનો દેખાવ નિરાશાજનક રહ્યો છે.
શ્રેયસ અય્યરની લડાયક ઇનિંગ, પણ ટોપ ઓર્ડર ફરી નિષ્ફળ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી હતી. ઓપનર વૈભવ સૂર્યવંશી 15 રન અને ઇશાન કિશન માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. એક તરફ વિકેટો પડતી રહી, પરંતુ કેપ્ટન શ્રેયસ અય્યરે એક છેડો સંભાળી રાખ્યો હતો. તેણે 49 બોલમાં અણનમ 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શિવમ દુબેએ 22 રનનો ફાળો આપતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 158 રનનો લડાયક સ્કોર ઊભો કર્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગ અને જોફ્રા આર્ચરે 2-2 વિકેટ ઝડપી હતી.
બ્રૂક-સોલ્ટની તોફાની ભાગીદારી સામે ભારતીય બોલરો બેઉસર
159 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે શરૂઆતથી જ આક્રમક બેટિંગ શરૂ કરી હતી. ત્રીજી ઓવરમાં અર્શદીપ સિંહે જોસ બટલરને 8 રને આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી હતી, પરંતુ ત્યારબાદ ભારતીય બોલરો સંપૂર્ણપણે બેઉસર સાબિત થયા હતા.
14.1 ઓવરમાં જ ઇંગ્લેન્ડનો વિજય
જોસ બટલરની વિકેટ બાદ કાર્યવાહક કેપ્ટન હેરી બ્રૂક અને ફિલ સોલ્ટે ભારતીય બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરી નાખ્યું હતું. હેરી બ્રૂકે માત્ર 35 બોલમાં અણનમ 79 રનની તોફાની ઇનિંગ રમી, જ્યારે ફિલ સોલ્ટે 42 બોલમાં 59 રન ફટકાર્યા હતા. બંનેએ અણનમ ભાગીદારી નોંધાવીને ઇંગ્લેન્ડને 14.1 ઓવરમાં જ 9 વિકેટે યાદગાર જીત અપાવી હતી.
સિરીઝ ગઈ હાથમાંથી, હવે છેલ્લી મેચ ઔપચારિકતા
આ પરાજય સાથે ભારત માટે સિરીઝ બચાવવાની તમામ આશા સમાપ્ત થઈ ગઈ છે. વરસાદને કારણે પ્રથમ મેચ રદ રહી હતી, જ્યારે બાકીની ત્રણેય મેચ જીતીને ઇંગ્લેન્ડે શ્રેણી પોતાના નામે કરી લીધી છે. હવે બંને ટીમો વચ્ચેની છેલ્લી અને પાંચમી T20 મેચ સાઉથમ્પટનમાં રમાશે, જે ભારત માટે હવે માત્ર પ્રતિષ્ઠાની લડાઈ સમાન બની ગઈ છે.




Leave a Comment