ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. 30 ઓક્ટોબરે મોંગ કોકમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને 13 બોલ બાકી રહેતાં ચાર વિકેટે જીત મેળવી હતી. પાકિસ્તાનના કેપ્ટન અબ્બાસ આફ્રિદીએ કૃણાલ પંડ્યાની એક ઓવરમાં પાંચ છગ્ગા સહિત 31 રન ફટકારીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. તેણે માત્ર 8 બોલમાં 35 રનની તોફાની ઇનિંગ રમી હતી. ખ્વાજા નાફેએ પણ 12 બોલમાં 41 રન બનાવી ભારતીય બોલરોને મુશ્કેલીમાં મૂક્યા હતા.
કૃણાલ પંડ્યાની એક ઓવરમાં અબ્બાસ આફ્રિદીએ ફટકાર્યા 31 રન
મેચ દરમિયાન સૌથી વધુ ચર્ચા કૃણાલ પંડ્યાની બોલિંગની રહી હતી. પાકિસ્તાનની ઇનિંગમાં કૃણાલે પોતાની એકમાત્ર ઓવરમાં 31 રન આપ્યા હતા. પાકિસ્તાની કેપ્ટન અબ્બાસ આફ્રિદીએ આ ઓવરમાં પાંચ છગ્ગા ફટકારીને ભારતીય બોલિંગ આક્રમણ પર ભારે પ્રહાર કર્યો હતો. ભારતના અન્ય બોલરો પણ પાકિસ્તાની બેટ્સમેનોને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. ટી. નટરાજને પોતાની એક ઓવરમાં 28 રન આપ્યા હતા. રાહુલ તેવતિયાએ પાંચ બોલમાં 18 રન આપ્યા હતા, જ્યારે શશાંક સિંહે પોતાની એક ઓવરમાં 14 રન આપ્યા હતા. જોકે, શશાંક અને તેવતિયાએ એક-એક વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાને 13 બોલ બાકી રહેતાં મેળવી જીત
ભારતે આપેલા 89 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે આક્રમક શરૂઆત કરી હતી. ઓપનર ખ્વાજા નાફેએ માત્ર 12 બોલમાં 41 રન ફટકાર્યા હતા. ત્યારબાદ કેપ્ટન અબ્બાસ આફ્રિદીએ 8 બોલમાં 35 રનની તોફાની ઇનિંગ રમી હતી. અબ્દુલ સમદ ત્રણ બોલમાં સાત રન બનાવી અણનમ રહ્યો હતો, જ્યારે ઇરફાન ખાને એક બોલમાં છ રન બનાવ્યા હતા. આ આક્રમક બેટિંગના જોરે પાકિસ્તાને 13 બોલ બાકી રહેતાં ચાર વિકેટે મેચ જીતી લીધી હતી.
ભારતે 6 ઓવરમાં બનાવ્યા હતા 88 રન
આ પહેલાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે છ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 88 રન બનાવ્યા હતા. ભારત તરફથી શશાંક સિંહ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. તેણે માત્ર 11 બોલમાં 40 રન ફટકાર્યા હતા. નીતિશ રાણાએ 14 બોલમાં 19 રન બનાવ્યા હતા અને રિટાયર્ડ આઉટ થયો હતો. ટી. નટરાજને છ બોલમાં અણનમ 12 રન બનાવ્યા હતા. જોકે, અન્ય બેટ્સમેનો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને ભારતીય ટીમ 89 રનનો લક્ષ્યાંક આપી શકી હતી.



