ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પહોંચી ચૂકી છે. જો, કે પ્રવાસની શરૂઆત સાથે જ ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. 7 ઓગસ્ટથી શરૂ થનારી ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ પર ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે, જેના કારણે ટીમની તૈયારીઓને મોટો ફટકો પડી શકે છે.
ત્રણેય દિવસ વરસાદની આગાહી
ભારતીય ટીમ 7થી 9 ઓગસ્ટ દરમિયાન કોલંબોમાં ત્રણ દિવસીય વોર્મ-અપ મેચ રમવાની હતી. આ મેચ 15 ઓગસ્ટથી ગાલેમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ પહેલાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. પરંતુ હવામાન વિભાગ અને AccuWeatherના અનુમાન મુજબ ત્રણેય દિવસ વરસાદની શક્યતા છે. ખાસ કરીને પ્રથમ દિવસે લગભગ 91 ટકા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, જ્યારે 99 ટકા વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.
મેદાન ભીનું રહેવાની શક્યતા
શ્રીલંકાના કેન્ડીથી કોલંબો સુધી સતત વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો છે. આવી સ્થિતિમાં પ્રથમ દિવસની રમત શરૂ થવી પણ મુશ્કેલ બની શકે છે. જો વરસાદ યથાવત રહેશે તો પ્રેક્ટિસ મેચ સંપૂર્ણ કે આંશિક રીતે ધોવાઈ જવાની શક્યતા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે મહત્વનો પ્રવાસ
ભારત માટે આ સિરીઝ માત્ર દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝ નથી, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ્સની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. હાલમાં ભારતીય ટીમ WTC સ્ટેન્ડિંગમાં પાંચમા સ્થાને છે અને સારી શરૂઆત કરવાની જવાબદારી શુભમન ગિલની યુવા ટીમ પર રહેશે.




Leave a Comment