![]()
FIFA World Cup 2026: ફૂટબોલની મેચ માત્ર ખેલાડીઓની મહેનતથી નથી જીતાતી, ક્યારેક રેફરીની એક ભૂલ પણ આખી મેચનું પાસું પલ્ટી નાંખતી હોય છે. બોસ્ટનના મેદાન પર કંઈક એવું જ થયું. ફિફા વર્લ્ડ કપ 2026 માં સ્કોટલેન્ડે હૈતીને હરાવીને 36 વર્ષ બાદ આ રમતોત્સવમાં જીતનો જશ્ન મનાવ્યો. પરંતુ, આ વિજયની ઉજવણી વચ્ચે મેદાન પર લેવાયેલા વિવાદાસ્પદ નિર્ણયોએ ફૂટબોલ જગતમાં એક નવી ચર્ચા જગાવી દીધી છે. શું ખરેખર હૈતી સાથે અન્યાય થયો? આવો જાણીએ આ રોમાંચક અને વિવાદોથી ઘેરાયેલી મેચની સંપૂર્ણ વિગત.
સ્કોટલેન્ડનો 36 વર્ષ પછી ઐતિહાસિક વિજય
ફિફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ Cની એક મહત્ત્વપૂર્ણ મેચમાં સ્કોટલેન્ડે હૈતી સામે 1-0 થી શાનદાર જીત મેળવી હતી. સ્કોટલેન્ડના ફૂટબોલ ઇતિહાસ માટે આ જીત અત્યંત ભાવુક ક્ષણ લઈને આવી છે, કારણ કે 1990 પછી વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડની આ પ્રથમ જીત છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1998 પછી સ્કોટલેન્ડની ટીમ પહેલીવાર ફૂટબોલ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શકી છે.
મેચનો એકમાત્ર વિનિંગ ગોલ
મેચની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. 29મી મિનિટે સ્કોટલેન્ડે પ્રથમ લીડ મેળવી, જે અંત સુધી નિર્ણાયક સાબિત થઈ. ફોરવર્ડ ચે એડમ્સે એક લોંગ બોલને ખૂબ જ સુંદર રીતે કંટ્રોલ કર્યો અને તેને બેન ગેનોન-ડોક તરફ પાસ કર્યો. ગેનોન-ડોક દ્વારા કરવામાં આવેલા ક્રોસને હૈતીના ડિફેન્ડરે બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બોલ સીધો જોન મેકગિન પાસે પહોંચી ગયો. મેકગિને કોઈ પણ ભૂલ કર્યા વિના, બોક્સની ધાર પરથી એક જોરદાર શોટ ફટકાર્યો. હૈતીના ગોલકીપર જોની પ્લેસિડ આ શૉટને રોકવામાં નિષ્ફળ રહ્યા અને બોલ સીધો નેટમાં ગયો.
રેફરીના વિવાદાસ્પદ નિર્ણયો અને હેન્ડબોલનો વિવાદ
અલ્જેરિયાના જાણીતા રેફરી મુસ્તફા ઘોરબાલ આ મેચમાં રેફરી હતા, પરંતુ તેમના કેટલાક નિર્ણયો હૈતીની ટીમ માટે આંચકાજનક રહ્યા હતા.
73મી મિનિટનો વિવાદ: મેચની 73મી મિનિટે સ્કોટલેન્ડના એક ડિફેન્ડરને બોલ વાગ્યો હતો. હૈતીના ખેલાડીઓએ પેનલ્ટીની માંગ કરી, પરંતુ રેફરીએ તેને નકારી કાઢી હતી.
79મી મિનિટે પેનલ્ટી ન મળી: સૌથી મોટો વિવાદ મેચની 79મી મિનિટે થયો જ્યારે હૈતીના જીન-રિકનર બેલેગાર્ડે બોક્સની અંદરથી એક પાવરફુલ કિક મારી. આ બોલ સ્પષ્ટપણે બોક્સની અંદર સ્કોટિશ ડિફેન્ડરના હાથ પર વાગ્યો હતો. ફૂટબોલના નિયમો મુજબ ડી-બોક્સની અંદર હેન્ડબોલ થવા પર વિરોધી ટીમને પેનલ્ટી મળવી જોઈએ. હૈતીના ખેલાડીઓએ મેદાન પર જોરદાર અપીલ કરી, પરંતુ રેફરી મુસ્તફા ઘોરબાલે તેને અવગણી દીધી. આશ્ચર્યની વાત એ છે કે આટલા મોટી ટૂર્નામેન્ટમાં VAR (વિડીયો આસિસ્ટન્ટ રેફરી) એ પણ આ નિર્ણયમાં દખલ ન કરી.
‘રેડ કાર્ડ’ ન આપ્યું: માત્ર હેન્ડબોલ જ નહીં, પણ પ્રથમ હાફમાં સ્કોટલેન્ડના કેની મેકલીને હૈતીના જોસુ કાસિમીરના ઘૂંટણ પર અત્યંત ખતરનાક ટેકલ કર્યો હતો. આ ફાઉલ એટલો ગંભીર હતો કે નિયમ મુજબ મેકલીનને સીધું ‘રેડ કાર્ડ’ આપીને મેદાનની બહાર મોકલી શકાયો હોત, પરંતુ અહીં પણ રેફરીએ નરમ વલણ અપનાવ્યું અને રેડ કાર્ડ ન આપ્યું.
આ પણ વાંચો: VIDEO: ટી20 મુંબઈની ફાઈનલ મેચમાં ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી, મારપીટ થતાં રહી ગઈ!
રેફરિંગના સ્તર પર સવાલ ઉઠ્યા
એક તરફ સ્કોટલેન્ડના ફેન્સ આ જીતથી અત્યંત ખુશ છે. પરંતુ બીજી તરફ, હૈતીના ફેન્સ અને ફૂટબોલ વિવેચકો રેફરિંગના સ્તર પર સવાલ ઉઠાવી રહ્યા છે. વર્લ્ડ કપ જેવા વૈશ્વિક સ્ટેજ પર આવા નિર્ણયો મેચનું પરિણામ બદલી નાખે છે, જે ફૂટબોલની રમતની ‘ફેર-પ્લે’ ભાવના સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે.


Leave a Comment