ભારતના અવકાશ ક્ષેત્ર માટે આજે (18 જુલાઈ) ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. હૈદરાબાદ સ્થિત ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે દેશનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી સફળતાપૂર્વક લોન્ચ કરીને ભારતના સ્પેસ સેક્ટરમાં નવો ઇતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ ભારતના ખાનગી અવકાશ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન માનવામાં આવી રહી છે.
લોન્ચિંગ પહેલા 5 મિનિટનો હોલ્ડ, બાદમાં સફળ ઉડાન
વિક્રમ-1નું લોન્ચિંગ મૂળ આજે સવારે 11:30 વાગ્યે થવાનું હતું. જો, કે કાઉન્ટડાઉન પૂર્ણ થવાના માત્ર પાંચ મિનિટ પહેલાં ટેકનિકલ ચકાસણી માટે પ્રક્રિયા થોડા સમય માટે અટકાવવામાં આવી હતી. જરૂરી તપાસ પૂર્ણ થયા બાદ કાઉન્ટડાઉન ફરી શરૂ કરવામાં આવ્યું અને બપોરે 12:05 વાગ્યે રોકેટે સફળતાપૂર્વક અવકાશ તરફ ઉડાન ભરી હતી.
‘મિશન આગમન’ હેઠળ અનેક મહત્વના પેલોડ અવકાશમાં
સ્કાયરૂટ એરોસ્પેસે આ ઐતિહાસિક લોન્ચિંગને ‘મિશન આગમન’ નામ આપ્યું છે. વિક્રમ-1 રોકેટ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા (Low Earth Orbit)માં આશરે 450 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચશે. મિશન દરમિયાન રોકેટ ગ્રહ સ્પેસ, કોસ્મોસર્વ સ્પેસ, ડીક્યુબ્ડ અને સ્કાયરૂટ એરોસ્પેસના ઇન-હાઉસ ટેક્નોલોજી પેલોડ સહિત અનેક આધુનિક સંશોધન પેલોડને અવકાશમાં સ્થાપિત કરશે.
ઓર્બિટલ રોકેટ કેમ છે ખાસ?
સબ-ઓર્બિટલ અને ઓર્બિટલ રોકેટ વચ્ચે મહત્વનો તફાવત છે. સબ-ઓર્બિટલ રોકેટ અવકાશની સરહદ સુધી પહોંચી ફરી પૃથ્વી પર પરત આવે છે, જ્યારે ઓર્બિટલ રોકેટ ઉપગ્રહોને એટલી ગતિ આપે છે, કે તેઓ પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થિર થઈ લાંબા સમય સુધી ચક્કર લગાવી શકે.
ખાનગી સ્પેસ સેક્ટર માટે ઐતિહાસિક સિદ્ધિ
વિક્રમ-1ના સફળ લોન્ચ સાથે ભારતે ખાનગી અવકાશ ક્ષેત્રમાં વધુ એક મોટું પગલું ભર્યું છે. આ સાથે સ્કાયરૂટ એરોસ્પેસ દેશની પ્રથમ ખાનગી કંપની બની છે, જેણે સફળતાપૂર્વક ઓર્બિટલ રોકેટ લોન્ચ કરીને ભારતીય સ્પેસ ઇકોસિસ્ટમમાં નવો અધ્યાય ઉમેર્યો છે.




Leave a Comment