Iran Threat US Companies : તાજેતરમાં પ્રાપ્ત અહેવાલો અનુસાર, IRGC એ સત્તાવાર રીતે 18 અમેરિકન કંપનીઓની યાદી જાહેર કરી છે જે તેમના નિશાના પર છે. આ યાદીમાં માત્ર ટેક કંપનીઓ જ નહીં પરંતુ ઇન્ટેલ, એમેઝોન જેવી વૈશ્વિક સપ્લાય ચેઇન પર પ્રભુત્વ ધરાવતી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. ઈરાનનું કહેવું છે કે આ કંપનીઓના પ્રાદેશિક ઓપરેશન્સ, ખાસ કરીને ઈરાન અને તેની આસપાસના વિસ્તારોમાં કાર્યરત એકમોને નિશાન બનાવવામાં આવશે.
આ કાર્યવાહીને અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓના બદલા તરીકે જોવામાં આવી રહી છે. નોંધનીય છે કે અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેનું આ યુદ્ધ છેલ્લા એક મહિનાથી સતત ચાલી રહ્યું છે.
શું આ માત્ર ધમકી છે?
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઈરાને આ હુમલાઓ માટે એક ચોક્કસ સમયરેખા પણ આપી છે. IRGC મુજબ, આ આક્રમક કાર્યવાહીની શરૂઆત 1 એપ્રિલથી કરવામાં આવશે. ઈરાનનો દાવો છે કે આ કંપનીઓ અમેરિકાના જાસૂસી નેટવર્કનો હિસ્સો છે અને તેથી જ તેમને નષ્ટ કરવું જરૂરી છે. પશ્ચિમ એશિયામાં કાર્યરત અમેરિકન કર્મચારીઓ અને ઓફિસો પર હવે જોખમ મંડરાઈ રહ્યું છે, જેના કારણે ઘણી કંપનીઓએ તેમના સ્ટાફની સુરક્ષા વધારી દીધી છે.
ડોનાલ્ડ ટ્રમ્પનો વળતો પ્રહાર
ANI દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ધમકીઓ પર આકરા તેવર બતાવ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઈરાન ખરેખર આ કંપનીઓને ઉડાવી દેશે, ત્યારે ટ્રમ્પે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો હતો. ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન પાસે હવે આવી કોઈ મોટી કાર્યવાહી કરવાની ક્ષમતા બચી નથી. તેમણે આશ્ચર્યજનક ખુલાસો કરતા જણાવ્યું કે, “તેઓ (ઈરાન) આવું કંઈ જ નહીં કરે.
તેઓ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની સ્થિતિમાં પણ નથી.” ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે ઈરાનનું મોટાભાગનું ટોચનું સૈન્ય અને રાજકીય નેતૃત્વ અમેરિકાના હુમલાઓમાં પહેલાથી જ માર્યું ગયું છે. ટ્રમ્પના મતે, ઈરાન માત્ર નિવેદનબાજી કરીને ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતામાં તેનું સંગઠન અંદરથી નબળું પડી ચૂક્યું છે.




Leave a Comment