![]()
Salman Khan Don 3 row: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને અભિનેતા રણવીર સિંહ અને ફિલ્મ મેકર ફરહાન અખ્તર વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે મધ્યસ્થતા કરી છે. આ આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રણવીર સિંહે અચાનક જ મોટી ફિલ્મ ‘ડોન 3’ છોડી દીધી હતી. રણવીરના આ નિર્ણયના વિરોધમાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE)એ તેની સામે નોન-કોઓપરેશન નોટિસ (અસહકારનો પ્રસ્તાવ) જાહેર કરી દીધી હતી. આ મામલો વધુ ન બગડે તે માટે સલમાન ખાને પોતે આગળ આવીને બંને પક્ષો સાથે અંગત રીતે વાતચીત કરી છે અને વિવાદને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કર્યો છે.
સલમાને બંને પક્ષો સાથે ફોન પર કરી વાત, આપી ખાસ સલાહ
સલમાન ખાનના સંબંધો રણવીર સિંહ અને ફરહાન અખ્તર બંને સાથે ખૂબ જ સારા છે, તેથી આ ગંભીર વિવાદને ઉકેલવા તેમણે પોતે પહેલ કરી છે. સલમાને બંને કલાકારો સાથે ફોન પર વાત કરીને તેમનો પક્ષ સાંભળ્યો હતો. તેમણે બંનેને સમજાવ્યા કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવા મોટા પ્રોજેક્ટ્સ દરમિયાન વિચારોમાં મતભેદ (ક્રિએટિવ ડિફરન્સિસ) થવા એ બહુ સામાન્ય બાબત છે. સલમાન ખાને ફરહાન અખ્તરને ખાસ સલાહ આપી કે આ વિવાદને વધુ ખેંચવો યોગ્ય નથી અને પોતાના પ્રોફેશનલ સંબંધો બગાડ્યા વગર આ મામલો અહીં જ પૂરો કરી દેવો જોઈએ.
ભૂતકાળ ભૂલીને ભવિષ્યમાં સાથે કામ કરવા કરી અપીલ
સલમાન ખાને રણવીર સિંહ અને ફરહાન અખ્તર બંનેને આ વિવાદ ભૂલીને આગળ વધવા કહ્યું છે. તેણે સમજાવ્યું કે જ્યારે આ મામલો પૂરી રીતે શાંત થઈ જાય, ત્યારે તેમણે ભવિષ્યમાં ફરી એકબીજા સાથે કામ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. સલમાન ખાનની આ સમજાવટ અને મધ્યસ્થતા બાદ એવી આશા રાખવામાં આવી રહી છે કે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલો તણાવ હવે ઓછો થઈ શકે છે.
પ્રી-પ્રોડક્શનમાં કરોડોના ખર્ચ અને વળતરને લઈને વધ્યો હતો વિવાદ
આ વિવાદ પાછળનું મુખ્ય કારણ ‘ડોન 3’ના પ્રી-પ્રોડક્શન પર થયેલો મોટો ખર્ચ હોવાનું કહેવાય છે. ફરહાન અખ્તરની કંપની ‘એક્સેલ એન્ટરટેઇનમેન્ટ’ પ્રોજેક્ટની તૈયારીઓ, શિડ્યુલિંગ અને અન્ય કામો પાછળ ઘણો આર્થિક ખર્ચ કરી ચૂકી હતી, જેથી કંપનીએ રણવીર પાસે વળતરની માંગણી રાખી હતી.
બીજી તરફ, રણવીર સિંહ અને તેની ટીમની નારાજગી અલગ હતી. રણવીર એ વાતથી ગુસ્સે હતો કે જ્યારે તેનો કરિયરનો નબળો તબક્કો ચાલી રહ્યો હતો, ત્યારે એક્સેલ પ્રોડક્શન આ ફિલ્મ માટે બીજા કલાકારો (જેમ કે હૃતિક રોશન) સાથે વાતચીત કરી રહ્યું હતું. રણવીરના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, એક્ટરને લાગ્યું કે મુશ્કેલ સમયમાં પ્રોડક્શન હાઉસ તેનો સાથ નથી આપી રહ્યું, જેથી બંને વચ્ચેનો ભરોસો તૂટી ગયો હતો. આ સિવાય રણવીર ફિલ્મની સ્ક્રિપ્ટથી પણ સંતુષ્ટ નહોતો અને તેને લાગતું હતું કે ફરહાન અખ્તરનું પૂરતું ફોકસ આ પ્રોજેક્ટ પર નથી.
આ પણ વાંચો: શાહરુખ-આલિયા સાથે અણબનાવ? ઈન્સ્ટા પર અનફોલો કરવા મુદ્દે કરણ જોહરે તોડ્યું મૌન!
રણવીરે આપી હતી મોટી ઓફર, પણ વાત ન બની
જોકે, રણવીર સિંહની ટીમનું કહેવું છે કે રણવીર પ્રોડક્શન હાઉસને નુકસાનમાં છોડવા માંગતો નહોતો. આ જ કારણે તેણે એક્સેલ એન્ટરટેઇનમેન્ટને નુકસાનની ભરપાઈ કરવા માટે રોકડા રૂ. 10 કરોડ અને ભવિષ્યની ફિલ્મમાં રૂ. 25 કરોડનું ડિસ્કાઉન્ટ આપવાની ઓફર કરી હતી. પરંતુ એક્સેલ પ્રોડક્શન ભવિષ્યમાં સાથે કામ કરવાના બદલે સીધું જ રોકડ વળતર ઈચ્છતું હોવાથી આ વિવાદ વધુ વણસ્યો હતો.


Leave a Comment