લગભગ 968 દિવસ બાદ વન-ડે ક્રિકેટમાં વાપસી કરનાર જસપ્રિત બુમરાહે પોતાની પહેલી જ મેચમાં ઇતિહાસ રચી દીધો. ઇંગ્લેન્ડ સામે ઘાતક બોલિંગ કરતાં તેણે 150 ODI વિકેટનો માઈલસ્ટોન પાર કર્યો અને સાથે જ રવિન્દ્ર જાડેજા તથા અજીત અગરકરના બે મોટા રેકોર્ડ તોડી નાખ્યા.
બીજી સ્પેલમાં જ બદલ્યો મેચનો રંગ
બુમરાહે પોતાની બીજી સ્પેલની પહેલી જ બોલ પર ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકને સ્લિપમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ કરાવી 150મી ODI વિકેટ પૂર્ણ કરી. શરૂઆતની ચાર ઓવરમાં તેણે માત્ર 8 રન આપીને ઇંગ્લિશ બેટિંગ પર ભારે દબાણ બનાવ્યું.
સૌથી ઓછી બોલમાં 150 ODI વિકેટ
150 ODI વિકેટ સુધી પહોંચવા માટે બુમરાહે માત્ર 4605 બોલ લીધા, જે ભારતીય બોલરોમાં ત્રીજો સૌથી ઝડપી આંકડો છે. આ સાથે તેણે અજીત અગરકર અને ઇરફાન પઠાણને પાછળ છોડી દીધા.
સૌથી ઓછા બોલમાં 150 ODI વિકેટ (ભારત):
- 4070 – મોહમ્મદ શમી
- 4513 – કુલદીપ યાદવ
- 4605 – જસપ્રિત બુમરાહ
- 5027 – અજીત અગરકર
- 5131 – ઇરફાન પઠાણ
ઇંગ્લેન્ડમાં સૌથી સફળ ભારતીય બોલર બન્યો
હેરી બ્રુકની વિકેટ સાથે જ બુમરાહે ઇંગ્લેન્ડની ધરતી પર પોતાની 31મી ODI વિકેટ મેળવી અને રવિન્દ્ર જાડેજાના 30 વિકેટના રેકોર્ડને પાછળ છોડી દીધો. હવે તે ઇંગ્લેન્ડમાં સૌથી વધુ ODI વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે.
ઇંગ્લેન્ડમાં ભારત માટે સૌથી વધુ ODI વિકેટ:
- 31 – જસપ્રિત બુમરાહ
- 30 – રવિન્દ્ર જાડેજા
- 28 – ભુવનેશ્વર કુમાર
- 27 – મદન લાલ
- 26 – મોહમ્મદ શમી




Leave a Comment