બરવાળા-નાવડા રોડ પર ખમીદાણા ગામ નજીક આવેલા નેસડીયા હનુમાનજી મંદિર પાસે એક અત્યંત કરુણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. સિમેન્ટની થેલીઓ ભરેલા ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડ નીચે ખાળિયામાં ઉતરીને પલટી મારી ગયો હતો. આ દુર્ઘટનામાં ટ્રક અને સિમેન્ટની ગુણો નીચે દબાઈ જવાથી બે સગા ભાઈઓનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
સિમેન્ટ ઉતારવા જતા જ સર્જાઈ હોનારત
મળતી વિગતો અનુસાર, સિમેન્ટ ભરેલા આ ટ્રક પર મજૂરો માલ-સામાન ઉતારવા માટે ઉપર બેઠા હતા. એવામાં ખમીદાણા ગામ નજીક ટ્રક ચાલકે અચાનક સંતુલન ગુમાવ્યું હતું, જેના કારણે ટ્રક રોડ પરથી નીચે ઉતરી ખાળિયામાં પલટી ખાઈ ગયો હતો. ટ્રક પલટી જતાં જ ઉપર બેઠેલા મજૂરો સિમેન્ટની થેલીઓ અને ટ્રકના બોડી નીચે દબાઈ ગયા હતા. અકસ્માત સર્જાયા બાદ દર્દનાક ચીસિયારીઓથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
અકસ્માત બાદ ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર
જોકે, અકસ્માત સર્જીને ટ્રકનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે જાણ થતાં જ બરવાળા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી દબાયેલા મજૂરો અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




Leave a Comment