સિક્કિમના નામચી જિલ્લામાં નિર્માણાધીન ટનલ પાસે સર્જાયેલા ભીષણ ભૂસ્ખલન બાદ મોટી દુર્ઘટના બની છે. ટનલનો પ્રવેશદ્વાર કાટમાળથી બંધ થઈ જતાં અનેક શ્રમિકો અંદર ફસાઈ ગયા હતા. મિથેન ગેસ લીક થવાને કારણે બચાવ કામગીરી વધુ મુશ્કેલ બની છે. અત્યાર સુધીમાં 7 શ્રમિકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 20થી વધુ લોકો હજુ પણ ટનલમાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભૂસ્ખલન બાદ ટનલનો પ્રવેશદ્વાર બંધ
જિલ્લા કલેક્ટર અનુપા ટેમલિંગના જણાવ્યા અનુસાર સોમવારે બપોરે લગભગ 3:40 વાગ્યે ભૂસ્ખલનની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ NDRF, SDRF, જિલ્લા પોલીસ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સહિતની ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ટનલની બહાર એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી છે, જ્યારે ગેસ માસ્ક અને વિશેષ સુરક્ષા સાધનો સાથેની ટીમો અંદર પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
મિથેન ગેસથી રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી
અધિકારીઓના જણાવ્યા મુજબ ટનલની અંદર મિથેન ગેસની હાજરીને કારણે બચાવ કામગીરી અત્યંત જોખમી બની ગઈ છે. ગેસના સંપર્કમાં આવતાં કેટલાક બચાવકર્મીઓની તબિયત પણ લથડી હતી. પ્રાથમિક તપાસ મુજબ ભૂસ્ખલન બાદ જમીનની અંદરના સ્તરોમાં ખલેલ પહોંચતાં મિથેન ગેસ બહાર આવવા લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
27 શ્રમિકો ફસાયેલા હોવાની આશંકા
કલેક્ટર અનુપા ટેમલિંગ અનુસાર, પટેલ એન્જિનિયરિંગ કંપનીના 21 અને NHPCના 6 સહિત કુલ 27 લોકો ટનલમાં ફસાયેલા હોવાની આશંકા છે. જો, કે ફસાયેલા લોકોની ચોક્કસ સંખ્યાની હજુ ચકાસણી ચાલી રહી છે અને અંતિમ આંકડામાં ફેરફાર થઈ શકે છે.
તીસ્તા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ દરમિયાન બની દુર્ઘટના
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ટનલ NHPCના તીસ્તા સ્ટેજ-VI હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે બનાવવામાં આવી રહી હતી અને પટેલ એન્જિનિયરિંગ કંપની દ્વારા તેનું નિર્માણ ચાલી રહ્યું હતું. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 7 શ્રમિકોના મૃતદેહોને ગંગટોક અને નામચીની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પ્રશાસનની પ્રથમ પ્રાથમિકતા ટનલમાં ફસાયેલા તમામ શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવાની છે, ત્યારબાદ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે.




Leave a Comment