દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જને લઈને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ઘટનાને ‘ગેર-ભારતીય વર્તન’ ગણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ પાસે માફી માંગવી જોઈએ તેવી માંગ કરી છે.
‘દેશની પરીક્ષા પ્રણાલી ખોખલી બની ગઈ છે’
માધ્યમો સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, કે વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવો ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીની ભાવના વિરુદ્ધ છે. તેમણે દાવો કર્યો, કે દેશની પરીક્ષા પ્રણાલી સંપૂર્ણપણે ખોખલી બની ગઈ છે અને NEET જેવા મુદ્દાઓએ સમગ્ર વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા છે. રાહુલ ગાંધીના કહેવા મુજબ વિદ્યાર્થીઓ પર કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હોવાથી તેની જવાબદારી કેન્દ્ર સરકારની છે.
અમિત શાહ અને PM મોદી પાસેથી જવાબદેહીની માંગ
રાહુલ ગાંધીએ કહ્યું, કે વિદ્યાર્થીઓ સામે થયેલી કાર્યવાહી માટે ગૃહ મંત્રાલય જવાબદાર છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરી હતી. સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિદ્યાર્થીઓ પાસે માફી માંગવી જોઈએ અને સમગ્ર ઘટનાને લઈને જવાબ આપવો જોઈએ એવો આગ્રહ વ્યક્ત કર્યો હતો.
સ્પીકરની ભૂમિકા પર પણ સવાલ
રાહુલ ગાંધીએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પર પણ આક્ષેપ કરતાં જણાવ્યું કે સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ સરકારની મંજૂરીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો, જે લોકશાહી માટે ચિંતાજનક બાબત છે.
વિપક્ષના અન્ય નેતાઓ પણ સરકાર પર આક્રમક
વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને અનેક વિપક્ષી નેતાઓએ પણ કેન્દ્ર સરકારની ટીકા કરી છે.
અખિલેશ યાદવે સરકાર પર વિદ્યાર્થીઓ સામે દમનકારી વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, કે પેપર લીક જેવી ઘટનાઓ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોના ભવિષ્ય સાથે સીધી રમત છે અને સરકારે જવાબદારી સ્વીકારવી જોઈએ.
અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો, કે શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવાના બદલે સરકાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે.
મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં વિપક્ષનો અવાજ દબાવવાનો અને વિરોધ પ્રદર્શન દરમિયાન બળપ્રયોગ કરવાનો આરોપ મૂક્યો.
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત લીધી
ઘટના બાદ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને અન્ય વિપક્ષી નેતાઓએ દિલ્હીની હોસ્પિટલોમાં પહોંચી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી અને તેમને ન્યાય અપાવવા માટે લડત ચાલુ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.




Leave a Comment