અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ચાંગોદર નજીક અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભારે પાણી ભરાતા અનેક વાહનો ફસાઈ ગયા છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ અમદાવાદથી સૌરાષ્ટ્ર આવતા-જતા વાહનચાલકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. સુરક્ષાના કારણોસર બગોદરા-સનાથલ હાઈવે બંને દિશામાં વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે.
6થી 7 ફૂટ પાણી ભરાતા હાઈવે કરાયો બંધ
એસપી ઓમ પ્રકાશ જાટના જણાવ્યા મુજબ, બગોદરાથી સનાથલ વચ્ચે અનેક સ્થળોએ 6થી 7 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે, જેના કારણે કોઈપણ પ્રકારના વાહન માટે પસાર થવું જોખમી બની ગયું છે. હાલ અંદર ફસાયેલા વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પાણીનું સ્તર ઘટે ત્યાં સુધી હાઈવે બંને બાજુથી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર
તંત્રએ અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચે અવરજવર કરતા વાહનચાલકો માટે કામચલાઉ ડાયવર્ઝન જાહેર કર્યું છે. બગોદરાથી આવતા વાહનોને વેજલકા મારફતે એક્સપ્રેસવે અને ત્યારબાદ એસપી રિંગ રોડ તરફ મોકલવામાં આવી રહ્યા છે. જ્યારે અમદાવાદથી રાજકોટ જનાર વાહનચાલકો સનાથલ સર્કલથી એક્સપ્રેસવે મારફતે વેજલકા થઈને પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકશે.
વિરમગામ-સુરેન્દ્રનગર રૂટનો પણ વિકલ્પ
રાજકોટ અને સૌરાષ્ટ્ર તરફ જવા માટે તંત્રએ વિરમગામ અને સુરેન્દ્રનગર તરફનો વૈકલ્પિક માર્ગ પણ ખુલ્લો રાખ્યો છે. જોકે આ ડાયવર્ઝન રૂટ સામાન્ય માર્ગ કરતાં અંદાજે 40થી 50 કિલોમીટર લાંબો છે. તંત્રએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટ્રાફિક વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.




Leave a Comment