વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ રેલવે સ્ટેશન પર મંગળવારે (28 જુલાઈ) વહેલી સવારે મોટી રેલ દુર્ઘટના ટળી હતી. વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેનનું એન્જિન પ્લેટફોર્મ નંબર-1 પર પ્રવેશતા પહેલાં જ પાટા પરથી ઊતરી ગયું હતું. ઘટનાથી ટ્રેનમાં સવાર મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નથી.
પ્લેટફોર્મ પહેલાં જ એન્જિન પાટા પરથી ઉતર્યું
પ્રાથમિક માહિતી અનુસાર, વિરાર-ભરૂચ મેમુ ટ્રેન ભિલાડ સ્ટેશન પર પહોંચી રહી હતી ત્યારે અચાનક તેનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. ઘટનાની સાથે જ ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી અને કેટલાક મુસાફરો તરત જ કોચમાંથી બહાર નીકળી આવ્યા હતા. માહિતી મળતા જ પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને એન્જિનને ફરી પાટા પર લાવવાની કામગીરી શરૂ કરી હતી.
કારણ જાણવા તપાસ શરૂ
રેલવે તંત્રએ ઘટનાના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે, ટેકનિકલ ખામી કે ટ્રેક સંબંધિત સમસ્યા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ ઘટનાસ્થળેથી જરૂરી માહિતી અને પુરાવા એકત્રિત કરીને સમગ્ર ઘટનાક્રમની તપાસ હાથ ધરી છે.
મુંબઈ રૂટનો ટ્રેન વ્યવહાર ખોરવાયો
આ અકસ્માતને કારણે મુંબઈ તરફ આવતી-જતી અનેક મહત્વની ટ્રેનોના સંચાલન પર અસર પડી હતી. વંદે ભારત એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ અને વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો મોડી દોડી હતી. જેના કારણે દૈનિક નોકરીયાતો, વેપારીઓ અને અન્ય મુસાફરોને સ્ટેશનો પર લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી.
તાજેતરમાં પણ વરસાદથી ટ્રેકને નુકસાન થયું હતું
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ વલસાડના પારડી અને ઉદવાડા વચ્ચે ભારે વરસાદને કારણે ટ્રેક નજીક માટી ધસી પડવાની ઘટના બની હતી, જેના કારણે પણ રેલવે વ્યવહાર પ્રભાવિત થયો હતો. હવે ભિલાડ સ્ટેશન પર એન્જિન પાટા પરથી ઉતરવાની ઘટનાએ મુસાફરોની સુરક્ષાને લઈને ફરી સવાલો ઉભા કર્યા છે.




Leave a Comment