દેશમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા વાહનો માટે કડક ઉત્સર્જન ધોરણો લાગુ કરવામાં આવ્યા છે અને હાલમાં BS-6 (ભારત સ્ટેજ-6) ધોરણવાળા વાહનોનું વેચાણ થઈ રહ્યું છે.
હવે દેશભરના લાખો વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર BS-6 વાહનો માટે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUCC) સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે.
અહેવાલો મુજબ, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા જાહેર કરાયેલી ડ્રાફ્ટ નોટિફિકેશનમાં BS-6 વાહનો માટે PUCCની માન્યતા અવધિ વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો આ નિયમોને અંતિમ મંજૂરી મળશે તો લાખો વાહનચાલકોને વારંવાર પોલ્યૂશન સેન્ટર પર જવાની જરૂરિયાત ઘટી શકે છે.
BS-6 વાહનો માટે શું બદલાશે?
ડ્રાફ્ટ મુજબ BS-6 કોમર્શિયલ વાહનો માટે PUCC સંબંધિત નિયમોમાં રાહત આપવામાં આવશે.
- 6 વર્ષ સુધીના BS-6 વાહનો: PUCCની માન્યતા વધારીને 3 વર્ષ કરવાની દરખાસ્ત.
- 6 થી 10 વર્ષ જૂના BS-6 વાહનો: દર 1 વર્ષે PUCC રિન્યૂ કરાવવું પડશે.
- 10 વર્ષથી વધુ જૂના BS-6 વાહનો: દર 6 મહિને પોલ્યૂશન ટેસ્ટ ફરજિયાત રહેશે.
સરકારનું માનવું છે, કે નવી ટેક્નોલોજીવાળા BS-6 વાહનોમાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું હોવાથી તેમના માટે નિયમોમાં રાહત આપી શકાય.
જૂના વાહનો માટે નિયમો બનશે વધુ કડક
જ્યાં BS-6 વાહનોને રાહત આપવામાં આવી રહી છે, ત્યાં જૂના ઉત્સર્જન ધોરણવાળા વાહનો માટે નિયમો વધુ કડક બનાવવાની તૈયારી છે.
- BS-4 વાહનો: હવે દર 6 મહિને PUCC રિન્યૂ કરાવવાનો પ્રસ્તાવ.
- BS-1, BS-2 અને BS-3 વાહનો: PUCCની માન્યતા માત્ર 3 મહિના સુધી રાખવાનો પ્રસ્તાવ, એટલે કે દર ત્રિમાસિક પોલ્યૂશન ટેસ્ટ ફરજિયાત થઈ શકે છે.
સરકારનું માનવું છે, કે જૂના વાહનોમાંથી વધુ પ્રદૂષણ ફેલાતું હોવાથી તેમના પર વધુ કડક દેખરેખ જરૂરી છે.




Leave a Comment