આજે વહેલી સવારે બિહારના સિમરી ભક્તિયારપુર સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ઘટી હતી. પ્લેટફોર્મ નંબર-2 પર ઊભેલી સમસ્તીપુર-સહરસા મેમુ પેસેન્જર ટ્રેન (63344)ના એન્જિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે, જોતજોતામાં તેણે એન્જિનની સાથે અડીને આવેલી આખી બગીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. સદભાગ્યે, સમયસર મુસાફરો ટ્રેનમાંથી બહાર કૂદી જતાં મોટી જાનહાનિ ટળી હતી.
“રેલવેવાળા વીડિયો માંગતા રહ્યા…”: મુસાફર
વહેલી સવારે લગભગ 3.44 વાગ્યે ટ્રેન સ્ટેશન પર આવીને ઊભી રહી ત્યારે મોટાભાગના મુસાફરો ઊંઘમાં હતા. એન્જિનમાંથી ધુમાડો નીકળ્યા બાદ અચાનક આગની જ્વાળાઓ ઊંચી ઊઠવા લાગતાં સ્ટેશન પર ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. આ ટ્રેનમાં સફર કરતા રુત્વિકે જણાવ્યું કે, જ્યારે તેમણે રેલવે હેલ્પલાઇન પર ફોન કરીને આગની જાણ કરી, ત્યારે રેલવે તંત્રે મદદ મોકલતા પહેલાં આગનો વીડિયો માંગ્યો હતો. તેમણે વીડિયોબનાવીને મોકલ્યા બાદ આગળની કાર્યવાહી થઈ હતી.
જાન બચાવવા માટે ટ્રેનમાંથી કૂદ્યા
સળગતી બગીની બાજુની બગીમાં બેઠેલા મુસાફર જીતેન્દ્ર કુમારે જણાવ્યું કે, ધુમાડો ભરાઈ જતાં મુસાફરો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદવા લાગ્યા હતા.
2 કલાકની ભારે જેહમત બાદ આગ પર કાબૂ
આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. લગભગ 2 કલાકની ભારે મશક્કત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેક્નિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શંકા સેવાઈ રહી છે.
4થી વધુ ટ્રેનો ખોરવાઈ, DRM ઘટનાસ્થળે પહોંચ્યા
આગની આ ઘટનાને કારણે સહરસા-માનસી રેલ ખંડ પર લગભગ 3 કલાક સુધી રેલ વ્યવહાર પૂરેપૂરો ઠપ્પ થઈ ગયો હતો. જાનકી એક્સપ્રેસ, કોસી એક્સપ્રેસ, સાવન સ્પેશિયલ અને પેસેન્જર ટ્રેનો લેટ થઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને DRM જ્યોતિ પ્રકાશ મિશ્રા સ્પેશિયલ ટ્રેન મારફતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસના આદેશ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “લોકો પાયલટે સૌપ્રથમ ધુમાડો જોયો હતો અને અગ્નિશામક યંત્રોથી ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ પૂર્ણ થયા બાદ જ સાચા કારણની ખબર પડશે.”




Leave a Comment