ગુજરાતમાં પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા રાજ્ય પોલીસ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા આદેશ મુજબ હવે સામાન્ય સંજોગોમાં પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશનમાં રૂબરૂ હાજર રહેવાની જરૂર રહેશે નહીં.
હવે માત્ર નાગરિકતા અને ગુનાઈત રેકોર્ડની જ થશે તપાસ
રાજ્ય પોલીસ દ્વારા જાહેર કરાયેલા નવા દિશા-નિર્દેશો અનુસાર, પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન હવે માત્ર અરજદારની નાગરિકતા (Citizenship) અને તેની સામે કોઈ ગુનાઈત પૂર્વ ઇતિહાસ (Criminal Record) છે કે નહીં તેની જ તપાસ કરવામાં આવશે.
આ ઉપરાંત અરજદારના રહેઠાણના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂર રહેશે નહીં. વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન અરજદારને રૂબરૂ મળવું અથવા તેની સહી લેવી પણ ફરજિયાત રહેશે નહીં.
શંકાસ્પદ કિસ્સામાં જ થશે ઘર મુલાકાત
જો કોઈ અરજીમાં પોલીસને શંકાસ્પદ બાબત જણાય અથવા વધારાની ખરાઈ જરૂરી લાગે, તો જ સંબંધિત પોલીસ અધિકારી અરજદારના રહેઠાણની મુલાકાત લઈ શકશે. જો, કે આવા સંજોગોમાં પણ અરજદારને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માટે બોલાવી શકાશે નહીં.
DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકનો કડક આદેશ
રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજ્યના તમામ પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ અને પોલીસ સ્ટેશનોને આ નવી પ્રક્રિયાનું કડકપણે પાલન કરવા સૂચના આપી છે. તેમણે નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ નવી વ્યવસ્થાથી માહિતગાર રહે અને પાસપોર્ટ વેરિફિકેશનના નામે કોઈ બિનજરૂરી પ્રક્રિયા કે તકલીફનો સામનો કરવો ન પડે.
નાગરિકોને મળશે મોટી રાહત
નવી વ્યવસ્થા અમલમાં આવતાં પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની સાથે અરજદારોનો સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે. પોલીસ સ્ટેશનના વારંવારના ધક્કા બંધ થતાં સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે અને સમગ્ર પ્રક્રિયા વધુ સરળ તથા નાગરિકમૈત્રી બનશે.




Leave a Comment