વડોદરા અને નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડોદરાની MS યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં PM મોદી ₹35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમ અંતર્ગત યુવાઓ અને પ્રોફેશનલ્સ સહિત 6,000 લોકો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમને ખાસ Gen-Zને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે અને તેના માટે ગ્રાઉન્ડમાં ખાસ Y આકારનો રેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે.
‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમમાં 6,000 લોકો સાથે સંવાદ
વડોદરાની MS યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડમાં યોજાનારા કાર્યક્રમમાં આશરે 6,000 લોકો હાજરી આપશે. કાર્યક્રમની સૌથી ખાસ વાત તેનું Y આકારનું સ્ટેજ અને રેમ્પ છે. આ રેમ્પની આસપાસ યુવાનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન રેમ્પ પર ચાલતા-ચાલતા Gen-Z વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરશે અને તેમનું અભિવાદન ઝીલશે. યુવાનોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલા આ કાર્યક્રમની તુલના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમ સાથે પણ થઈ રહી છે. રાહુલ ગાંધી કોટાથી પૂણે સુધીના કાર્યક્રમોમાં યુવાનો સાથે રોકસ્ટાર અંદાજમાં સંવાદ કરી ચૂક્યા છે.
હવે વડોદરામાં PM મોદી માટે પણ કોન્સર્ટ-સ્ટાઇલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમને ટેક્નોલોજીની દૃષ્ટિએ પણ અત્યાધુનિક બનાવવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમનું પ્રોડક્શન અને લાઇવ કવરેજ 4K કેમેરા દ્વારા કરવામાં આવશે. જેના કારણે કાર્યક્રમના વિઝ્યુઅલ્સ ઉચ્ચ ગુણવત્તામાં રજૂ કરી શકાય. કાર્યક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. BookMyShow મારફતે 6,000થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જણાવાયું છે. ડિજિટલ રજિસ્ટ્રેશનની આ વ્યવસ્થાથી કાર્યક્રમ સ્થળે પ્રવેશ પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
PM મોદીના આગમન પહેલાં વડોદરા રોશનીથી ઝળહળ્યું
વડાપ્રધાનના આગમનને લઈને વડોદરા શહેરમાં પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ફતેગંજ, કારેલીબાગ, VIP રોડ અને ન્યૂ VIP રોડ સહિતના મુખ્ય વિસ્તારોને રંગબેરંગી અને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે. રાત્રિના સમયે શહેરના મુખ્ય માર્ગો પર કરવામાં આવેલી લાઇટિંગને કારણે વડોદરા રોશનીથી ઝળહળી ઊઠ્યું હોય તેવું દૃશ્ય જોવા મળી રહ્યું છે.
PM મોદીના પ્રવાસને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને એરપોર્ટથી લઈને સભા સ્થળ સુધી ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષા માટે 2,000થી વધુ જવાનો સાથે 11 DCP અને 17 ACP સહિતના પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે. સભા સ્થળ અને આસપાસના વિસ્તારોમાં ડ્રોન દ્વારા સતત નજર રાખવામાં આવશે. આ ઉપરાંત મંગલ પાંડે બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાં ફાયર બ્રિગેડની ટીમે બોટ મારફતે તપાસ હાથ ધરી હતી. બોમ્બ અથવા કોઈ શંકાસ્પદ વસ્તુ ન હોય તેની ખાતરી કરવા માટે તપાસ કરવામાં આવી હતી.
પંડ્યા બ્રિજથી વુડા સર્કલ સુધી ટ્રાફિકમાં ફેરફાર
PM મોદીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પહોંચવાના હોવાથી વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પંડ્યા બ્રિજથી ફતેગંજ બ્રિજ નીચે થઈ જૂના વુડા સર્કલ સુધીનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ફરજ પરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી ટ્રાફિક સંબંધિત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ PM મોદી નવસારી પહોંચશે. અહીં તેઓ નવસારી જિલ્લા ભાજપના નવનિર્મિત કાર્યાલય ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કરશે. PM મોદીના સ્વાગત માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય રોડથી કમલમ કાર્યાલય સુધી આશરે 1,100 મહિલાઓ કળશ લઈને PMનું સ્વાગત કરશે. કાર્યાલયની બહાર 500 લોકો ડમરું વગાડશે, જ્યારે આશરે 100 લોકો ત્રાંસા વગાડીને વડાપ્રધાનનું અભિવાદન કરશે.
₹10 કરોડના ખર્ચે તૈયાર થયું ‘નમો કમલમ’
નવસારીનું નવનિર્મિત ‘નમો કમલમ’ કાર્યાલય આશરે ₹10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. કાર્યાલયને આધુનિક સુવિધાઓ અને AI આધારિત ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. નવસારીનો આ કાર્યક્રમ રાજકીય રીતે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર કોઈ જિલ્લા સ્તરના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ‘નમો કમલમ’ના લોકાર્પણ બાદ PM મોદી નવસારીમાં પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ ક્ષેત્રના લોકો સાથે સંવાદ કરશે. કાર્યક્રમમાં ડોક્ટર, એન્જિનિયર, શિક્ષકો, બુદ્ધિજીવીઓ અને ભાજપના ટોચના કાર્યકરો સહિત 5,000થી વધુ લોકો હાજર રહેવાની શક્યતા છે. આમ, PM મોદીની આજની ગુજરાત મુલાકાતમાં એક તરફ વડોદરામાં ₹35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત અને Gen-Z સાથે સંવાદ થશે, તો બીજી તરફ નવસારીમાં હાઈટેક ‘નમો કમલમ’ના ઉદ્ઘાટન સાથે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદનો કાર્યક્રમ યોજાશે.



