સુરત જિલ્લાના કીમ રેલવે ઓવરબ્રિજ પર સોમવારે આવો જ એક હૃદયધડક કિસ્સો સામે આવ્યો છે. અહીં સોશિયલ મીડિયા માટે રીલ બનાવી રહેલો એક યુવક ઓવરબ્રિજના પિલર પરથી સંતુલન ગુમાવતા આશરે 40 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયો હતો. જોકે, નીચે પાર્ક કરેલી ઓટોરિક્ષા પર પડવાને કારણે યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો, જ્યારે રિક્ષાને ભારે નુકસાન થયું હતું.
સ્ટંટ કરવા બંને મિત્રો ઓવરબ્રિજના પિલર પર ચડી ગયા
મળેલી વિગતો અનુસાર, મૂળ બિહારનો વતની અને હાલ સુરત નજીક કોસંબા ખાતે ખાનગી નોકરી કરતો 21 વર્ષીય મોનુ નામનો યુવક પોતાના મિત્ર સાથે કીમ રેલવે ઓવરબ્રિજ પર ફરવા ગયો હતો. સોશિયલ મીડિયા પર અલગ પ્રકારનો સ્ટંટ વીડિયો શૂટ કરવાના ઈરાદાથી બંને મિત્રો ઓવરબ્રિજના ઊંચા પિલર પર ચડી ગયા હતા. અહીં મોનુએ એક પિલર પરથી સામેના પિલર પર ફિલ્મી સ્ટાઈલમાં લાંબો કૂદકો મારવાનો ખતરનાક પ્રયાસ કર્યો હતો.
બેલેન્સ બગડતાં 40 ફૂટ નીચે રિક્ષાઓ પર ધડાકાભેર પડ્યો
બંને પિલર વચ્ચેનું અંતર વધારે હોવાને કારણે કૂદકો મારતી વખતે મોનુનું શારીરિક બેલેન્સ બગડ્યું હતું. પરિણામે તે સીધો પિલર વચ્ચેની જગ્યામાંથી 40 ફૂટ નીચે પટકાયો હતો. બ્રિજ નીચે સ્ટેન્ડ પર પાર્ક કરેલી બે ઓટોરિક્ષા પર તે ધડાકાભેર પડ્યો હતો.
યુવકના વજન અને ઊંચાઈથી પડવાના વેગને કારણે બંને રિક્ષાની છત અને બોડી તૂટી ગઈ હતી. આ સમગ્ર ભયાનક ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સદનસીબે ચમત્કારિક બચાવ
ધડાકો થતાં જ આસપાસના રિક્ષાચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને મોટો જમાવડો થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ કીમ પોલીસ મથકની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. યુવકને પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,
જ્યાં ડૉક્ટરોએ તેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જણાવાયું હતું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પોલીસે યુવકને પોલીસ સ્ટેશને લાવી આવી ખતરનાક હરકતો ન કરવાની કડક સૂચના અને ચેતવણી આપીને જવા દીધો હતો.



