ગણેશોત્સવ દરમિયાન અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરના નિયમો અને જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા આયોજકો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે હરીવિલા ફ્લેટ નજીક જાહેર રોડ પર નક્કી કરેલી મર્યાદા કરતા ઘણી વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થાપિત કરવા બદલ આયોજક સચિન કુમાવત વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાહેરનામા ભંગ બદલ ચાલુ વર્ષે નોંધાયેલો આ પ્રથમ ગુનો છે, જેણે અન્ય નિયમભંગ કરનારા આયોજકોમાં પણ ફફડાટ વ્યાપી દીધો છે.
8.5 ફૂટની મંજૂરી સામે ટ્રોલી સાથે 22.5 ફૂટ ઊંચુ માળખું ઊભું કરાયું
પોલીસ તપાસમાં સામે આવેલા તથ્યો અનુસાર, આયોજકોએ સ્થાનિક કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંથી માત્ર 8.5 ફૂટ ઊંચાઈ ધરાવતી ગણેશ મૂર્તિની સ્થાપના માટેની પરમિટ મેળવી હતી.
જોકે, ઘટનાસ્થળે તપાસ કરતા મંડપમાં ટ્રોલી સાથે કુલ 22.5 ફૂટ ઊંચાઈનું માળખું સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ મૂર્તિના બંધારણમાં 4.5 ફૂટની ટ્રોલી, 11 ફૂટની મુખ્ય ગણેશ મૂર્તિ અને તેની પાછળ મુગટ પર 7 ફૂટનું શિવજીનું ફાઇબર સ્ટ્રક્ચર જોડવામાં આવ્યું હતું, જે પોલીસ કમિશનરના જાહેરનામાનો સીધો ભંગ દર્શાવે છે.



