લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

ભારતે ટ્રોફી સ્વીકારવાનો કર્યો ઇનકાર, નકવી બન્યા કેન્દ્રમાં! ક્રિકેટથી પાકિસ્તાનની રાજનીતિ સુધી કેવી રીતે પહોંચ્યો મુદ્દો?

by

Thenewsdk

Updated: 15-09-2026, 11.21 AM

Follow us:

દુબઈ ખાતે રમાયેલી મહિલા એશિયા કપની ફાઇનલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રને માત આપીને આઠમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. જોકે, મેચ પૂરી થયા બાદ વિજયી ટ્રોફી સ્વીકારવાની ક્ષણે ક્રિકેટનો આ મુકાબલો ભારત-પાકિસ્તાનના રાજકીય સંબંધોના કેન્દ્રમાં આવી ગયો હતો.

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન અને પાકિસ્તાનના વર્તમાન ગૃહમંત્રી મોહસિન નકવી મંચ પર ઉપસ્થિત હોવાથી ભારતીય ટીમે તેમના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

કોણ છે મોહસિન નકવી અને પાકિસ્તાનની સત્તામાં તેમનું સ્થાન
મોહસિન નકવી હાલમાં પાકિસ્તાની સત્તાના સૌથી શક્તિશાળી વર્તુળોમાં સામેલ માનવામાં આવે છે. તેઓ સૈન્ય વડા અને પાકિસ્તાન સરકારના અત્યંત નજીકના સાથી ગણાય છે. જોકે, ક્રિકેટ પ્રશાસક તરીકે તેમનો કાર્યકાળ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું કથળતું પ્રદર્શન, પસંદગી સમિતિના આંતરિક વિવાદો અને ખેલાડીઓ પર લેવાયેલા આકરા નિર્ણયોને કારણે PCB ચેરમેન તરીકે તેમની સામે સ્થાનિક સ્તરે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તદુપરાંત, દેશના ગૃહમંત્રી તરીકે નવી રજૂ કરેલી પ્રશાસનિક નીતિઓના લીધે પણ ત્યાંના રાજકીય પક્ષોમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે.

BCCIનો પૂર્વ-નિર્ધારિત નિર્ણય અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ સમક્ષ પ્રસ્તાવ
અગાઉ પુરૂષ એશિયા કપ દરમિયાન પણ મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન લેવાનો વિવાદ સર્જાયો હતો. આ વખતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટુર્નામેન્ટના આયોજન પહેલા જ ACC સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું.

BCCIના સચિવ દેવજીત સૈકિયાના જણાવ્યા અનુસાર ભારતીય બોર્ડે ACCના ડેપ્યુટી ચેરમેન ખાલિદ અલ ઝારૂની અથવા વિજેતા દેશના બોર્ડ પ્રતિનિધિ દ્વારા ટ્રોફી આપવાનો વૈકલ્પિક પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ આ સમાધાન ન સધાતા અને નકવી મંચ પર જ અડગ રહેતા, ભારતીય ટીમે ટ્રોફી પ્રેઝન્ટેશન સમારોહથી દૂર રહેવાનો મક્કમ નિર્ણય લીધો હતો.

રાજકીય નેરેટિવ અને મોહસિન નકવી માટે ચર્ચાનો મંચ
ભારતીય મીડિયા અને ક્રિકેટપ્રેમીઓ માટે આ ઘટના નકવીના ઇનકાર અને ફજેતી તરીકે જોવામાં આવી રહી છે, જ્યાં સ્ટેડિયમમાં ચાહકો દ્વારા ‘ટ્રોફી ચોર’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા પરંતુ, પાકિસ્તાનના સ્થાનિક રાજકારણમાં આ સ્થિતિનો ઉપયોગ અલગ રીતે કરવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાનમાં નકવીના સમર્થકો આ સમગ્ર મામલાને “ભારતના વિરોધ છતાં નકવી પોતાના સ્થાને અડગ રહ્યા” એવા નેરેટિવ તરીકે રજૂ કરી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટની નબળી સ્થિતિ વચ્ચે ભારત સામેનો આ રાજકીય અને પ્રશાસનિક ખેલ નકવી માટે ચર્ચાના કેન્દ્રમાં રહેવાનું મોટું સાધન બની ગયો છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤