લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

તમારું SIM કોઈ બીજાને આપતા પહેલા 100 વાર વિચારજો! થઈ શકે ₹50 લાખનો દંડ અને 3 વર્ષની જેલ

by

Thenewsdk

Updated: 22-09-2026, 02.09 PM

Follow us:

કેન્દ્રીય દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી કડક એડવાઈઝરી મુજબ, નકલી ઓળખપત્રથી સિમ કાર્ડ ખરીદવા કે વેચવા, બીજાને ભાડે આપવા અથવા મોબાઈલના IMEI નંબર સાથે છેડછાડ કરવા પર 50 લાખ સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

સરકારે દેશના તમામ નાગરિકોને ‘સંચાર સાથી’ (Sanchar Saathi) પોર્ટલ અથવા એપ પર જઈને તાત્કાલિક તપાસ કરવા સલાહ આપી છે કે તેમના આઈડી પર કોઈ અજાણ્યો નંબર ચાલુ તો નથી.

છત્તીસગઢના મ્યુલ સિમ કૌભાંડ બાદ લેવાયો નિર્ણય
દૂરસંચાર વિભાગ દ્વારા આ કડક પગલું છત્તીસગઢમાં સામે આવેલા એક મોટા સાયબર ફ્રોડ બાદ લેવામાં આવ્યું છે. છત્તીસગઢમાં એક સિમ વેચતા એજન્ટે ગ્રાહકોના આઈડી દસ્તાવેજોનો દુરુપયોગ કરીને તેમની જાણ બહાર 25 જેટલા નકલી સિમ કાર્ડ સક્રિય કરી દીધા હતા.

આ બાબત ધ્યાન પર આવતાં DoT દ્વારા એજન્ટને તરત જ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યો હતો અને રી-વેરિફિકેશનમાં નિષ્ફળ જતાં તમામ 25 નકલી નંબરોને બ્લોક કરી દેવાયા હતા. સાયબર ફ્રોડ માટે વપરાતા આવા સિમને ‘મ્યુલ સિમ’ કહેવામાં આવે છે, જેના વિરુદ્ધ હવે કાનૂની શિકંજો કસાયો છે.

ભાડે સિમ આપનાર મૂળ ગ્રાહક પર પણ થશે પોલીસ કેસ
DoT એ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો કોઈ વ્યક્તિ પોતાના નામે સિમ કાર્ડ ખરીદીને પૈસાની લાલચમાં અન્ય કોઈને વેચે છે, ભાડે આપે છે અથવા સાયબર ગુનામાં તેનો ઉપયોગ થવા દે છે, તો મુખ્ય ગુનેગારની સાથે સિમ ખરીદનાર મૂળ ગ્રાહક સામે પણ સમાન ધોરણે પોલીસ કેસ નોંધાશે.

આ ઉપરાંત મોબાઈલ એપ્લિકેશન્સ કે વેબસાઈટ્સ દ્વારા પોતાનો ઓરિજિનલ કોલિંગ આઈડી બદલીને (Spoofing) કોલ કરવાના ટૂલ્સનો ઉપયોગ કરવો પણ ગંભીર ગુનો ગણાશે, કારણ કે તે દેશની સુરક્ષા અને નેટવર્ક સિસ્ટમ માટે મોટો ખતરો છે.

સિમ કાર્ડ રાખવાની મર્યાદા અને ડિજિટલ ઇન્ટેલિજન્સ પોર્ટલ
ભારતમાં સામાન્ય નાગરિકો માટે પોતાના નામે મહત્તમ 9 સિમ કાર્ડ રાખવાની મર્યાદા નક્કી કરાયેલી છે, જ્યારે સુરક્ષાના કારણોસર જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આ મર્યાદા 6 સિમ કાર્ડની છે. સરકારે તમામ ટેલિકોમ કંપનીઓને ‘ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ’ નો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે.

આ સિસ્ટમમાં નવી સુવિધા ઉમેરવામાં આવી છે, જેના હેઠળ જે વ્યક્તિ પાસે નિયત મર્યાદા કરતાં વધુ સિમ હશે, તેનો ફોટો પોર્ટલ પર દેખાવા લાગશે. જેથી ડીલરો નવા સિમ આપતી વખતે વધારાનું સિમ ઈશ્યૂ કરવાનો તરત જ ઈનકાર કરી શકશે. કંપનીઓને પોતાની સમગ્ર સિસ્ટમ અપડેટ કરવા માટે 30 નવેમ્બર, 2026 સુધીની મુદત આપવામાં આવી છે.

‘સંચાર સાથી’ પોર્ટલ પર તમારો નંબર કેવી રીતે ચેક કરશો?
જો તમે એ જાણવા માગતા હોવ કે તમારા આઈડી પર કુલ કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે, તો ભારત સરકારના સત્તાવાર પોર્ટલ sancharsaathi.gov.in પર જઈને સરળતાથી ચકાસી શકો છો.

પોર્ટલ પર ‘Know Your Mobile Connections’ (TAFCOP) વિકલ્પ પર ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ મોબાઈલ પર આવેલો OTP નાખતા જ તમારા આઈડી સાથે જોડાયેલા તમામ ચાલુ નંબરોનું લિસ્ટ દેખાશે.

જો તેમાં એવો કોઈ નંબર હોય જે તમે વાપરતા ન હોવ અથવા જેની તમને જાણ ન હોય, તો તમે ત્યાંથી જ ‘Not My Number’ અથવા ‘Not Required’ પર ક્લિક કરીને તેને બ્લોક કરવાની ઓનલાઈન વિનંતી નોંધાવી શકો છો.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤