રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં એક સપ્તાહમાં વધુ એક વિદ્યાર્થીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે યુનિવર્સિટીની મેઈન બિલ્ડિંગના છઠ્ઠા માળેથી આંધ્રપ્રદેશના એક વિદ્યાર્થી નીચે પટકાતાં તેનું મોત થયું હતું. સાત દિવસમાં આ પ્રકારની બીજી ઘટના સામે આવતાં યુનિવર્સિટી ફરી ચર્ચામાં આવી છે.
કમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી
મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થીની ઓળખ આંધ્રપ્રદેશના રહેવાસી હિમંત ગંદમાન તરીકે થઈ છે. તે કમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. યુનિવર્સિટી અધિકારીના જણાવ્યા અનુસાર, હિમંત છઠ્ઠા માળે પહોંચ્યો હતો અને ત્યાંથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. યુનિવર્સિટી તરફથી જણાવાયું છે કે CCTV ફૂટેજમાં વિદ્યાર્થી કેમ્પસમાં આવ્યો ત્યારે તેની પાસે બેગ ન હોવાનું જોવા મળ્યું છે. ત્યારબાદ તે છઠ્ઠા માળે પહોંચ્યો હતો. ઘટનાની જાણ થયા બાદ મૃતકના પરિવારજનોને માહિતી આપવામાં આવી રહી છે.
19 સપ્ટેમ્બરે પણ વિદ્યાર્થીનીનું મોત થયું હતું
આ ઘટનાના સાત દિવસ પહેલાં, 19 સપ્ટેમ્બરે પણ મારવાડી યુનિવર્સિટીમાં આંધ્રપ્રદેશની એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું. 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકા ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી નીચે પટકાઈ હતી. સૌબર્નિકા પણ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં AI આધારિત કોર્સમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. એક જ સપ્તાહમાં આંધ્રપ્રદેશના બે વિદ્યાર્થીઓના મોતની ઘટનાઓ સામે આવતાં મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ફરી ચિંતા અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.



