આ મશીનો જૂના થયા પછી તેનું શું થશે, તે હવે પર્યાવરણ માટે સૌથી મોટો પ્રશ્ન બની ગયું છે. એક તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ 2025થી 2050ની વચ્ચે AI સાથે જોડાયેલા 39.5 કરોડથી 61.7 કરોડ ટન ઈલેક્ટ્રોનિક ઉપકરણો નકામા થઈ જશે એટલે કે આગામી 25 વર્ષમાં AIને કારણે ઈલેક્ટ્રોનિક કચરા (E-Waste)નો વિસ્ફોટ થવાની શક્યતા છે.
આ કચરામાં માત્ર AI સર્વર અને પ્રોસેસિંગ ચિપ્સ જ સામેલ નથી. ડેટા સેન્ટરમાં વપરાતા નેટવર્કિંગ સાધનો, સ્ટોરેજ સિસ્ટમ, પાવર બેકઅપ, બેટરી, ટ્રાન્સફોર્મર અને કૂલિંગ સિસ્ટમ પણ સમય જતાં જૂના થઈને કબાડ બની જશે. અંદાજ છે કે 2050 સુધીમાં માત્ર AI સંબંધિત ઈ-કચરો દર વર્ષે 3.1 કરોડથી 4.6 કરોડ ટન સુધી પહોંચી શકે છે.
અગાઉના અંદાજ કરતાં 40થી 60 ગણો વધુ આંકડો કેમ?
અગાઉ જ્યારે AIના ઈ-કચરાની ગણતરી કરવામાં આવતી હતી, ત્યારે મુખ્યત્વે માત્ર સર્વર અને GPU (ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ) ના વજનને ધ્યાન પર લેવામાં આવતું હતું પરંતુ, નવા રિપોર્ટમાં ડેટા સેન્ટરના તમામ સહાયક સાધનોને પણ ગણતરીમાં લેવાયા છે.
- ડેટા સેન્ટરમાં સર્વરનું યોગદાન માત્ર 13%: ડેટા સેન્ટરના સમગ્ર ઈલેક્ટ્રોમિકેનિકલ માળખામાં સર્વર અને પ્રોસેસિંગ રેક્સનું વજન માત્ર 13 ટકા હોય છે.
- બાકીનો 87% ભાગ: પાવર સપ્લાય, સ્ટોરેજ, ટ્રાન્સફોર્મર્સ, બેટરી અને કૂલિંગ સિસ્ટમથી બનેલો હોય છે. આ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ સમય જતાં બદલવું પડે છે. આ કારણે જ 2030 સુધીમાં દર વર્ષે 86 લાખથી 1.31 કરોડ ટન AI આધારિત ઈલેક્ટ્રોનિક સાધનો નકામા થઈ જશે, જે જૂના અંદાજો કરતાં 40 થી 60 ગણું વધારે છે.
વિશ્વભરમાં 12,259થી વધુ ડેટા સેન્ટર
ઓગસ્ટ 2026 સુધીના ડેટા મુજબ, વિશ્વના 179 દેશોમાં કુલ 12,259 ડેટા સેન્ટર કાર્યરત છે. તેમાં સૌથી વધુ 5,388 ડેટા સેન્ટર અમેરિકામાં આવેલા છે, જ્યારે જર્મનીમાં 529 અને યુકેમાં 523 ડેટા સેન્ટર છે. મેકિન્સે (McKinsey) ના રિપોર્ટ મુજબ, 2025થી 2030ની વચ્ચે AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 7 ટ્રિલિયન ડૉલર નું ભારી રોકાણ થવાની ધારણા છે. આ રોકાણથી લાખો નવા સર્વરો અને કૂલિંગ સિસ્ટમ્સ લાગશે, જે ભવિષ્યમાં મોટા પાયે કચરો ઉત્પન્ન કરશે.
ડેટા સેન્ટર સિવાય પણ વધશે કચરો
AI ટેકનોલોજી માત્ર ડેટા સેન્ટરો સુધી સીમિત નથી. નવી અને શક્તિશાળી AI સિસ્ટમ્સ આવવાને કારણે સામાન્ય કોમ્પ્યુટર, સ્માર્ટફોન, એજ ડિવાઈસ અને ટેલિકોમ સાધનો પણ સમય પહેલાં જૂના થઈ જશે. 2050 સુધીમાં ડેટા સેન્ટરની બહારથી પણ દર વર્ષે 1.62 કરોડથી 3.07 કરોડ ટન વધારાનો ઈ-કચરો નીકળવાની શક્યતા છે.



