દસાડા તાલુકાના વડગામ નજીક એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. વડગામ અને પાનવા ગામ વચ્ચે હાઇવેની સાઇડમાં એક ટ્રક ઊભો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. બનાવને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
અકસ્માત બાદ ક્લીનર ખેતરમાં ભાગ્યો
અકસ્મા બાદ ટ્રકનો ક્લીનર ગભરાઈને ઘટનાસ્થળેથી નજીકના ખેતર તરફ ભાગ્યો હતો. જોકે, કમનસીબે ખેતરની સુરક્ષા માટે લગાવવામાં આવેલા વીજળીના ઝટકા મશીનવાળા ફેન્સિંગના સંપર્કમાં આવતાં તેને કરંટ લાગ્યો હતો. શોર્ટસર્કિટ અથવા વીજ કરંટની અસરથી ક્લીનરનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. આમ, સમગ્ર અકસ્માત અને ત્યારબાદ બનેલી ઘટનામાં કુલ ત્રણ લોકોનાં મોત થતાં દસાડા પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ
ઇકો કાર અને ટ્રક વચ્ચે થયેલા આ ગંભીર અકસ્માતને કારણે હાઇવે પર વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. અકસ્માત બાદ હાઇવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.



