લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

રાહત માટે બનેલો બ્રિજ જ બન્યો આફત! મકરબા ઓવરબ્રિજ ખુલ્યો અને કલાકોમાં ટ્રાફિક જામ, એમ્બ્યુલન્સ પણ ફસાઈ

by

Thenewsdk

Updated: 26-09-2026, 11.44 AM

Follow us:

રેલવે ક્રોસિંગની જૂની સમસ્યાનો ઉકેલ લાવવા માટે બનાવવામાં આવેલો આ ઓવરબ્રિજ હવે વાહનચાલકો અને સ્થાનિકો માટે ટ્રાફિકની નવી મુશ્કેલી અને અકસ્માતોનું કેન્દ્ર બની ગયો છે. બ્રિજ પરથી ઉતરતા જ કોર્પોરેટ રોડના વ્યસ્ત ચાર રસ્તા આવી જતા હોવાથી વાહનો સામસામે આવી જાય છે, જેના કારણે લોકાર્પણના પ્રથમ 24 કલાકમાં જ અનેક નાના-મોટા અકસ્માતો નોંધાયા હતા.

ખામીયુક્ત ડિઝાઇન અને સિગ્નલનો અભાવ
ઓવરબ્રિજનો લેન્ડિંગ પોઇન્ટ સીધો જ ટ્રાફિક સિગ્નલ વગરના ચાર રસ્તા પર ખુલે છે, જે તંત્રના આયોજન સામે મોટો સવાલ ઉભો કરે છે. બ્રિજ પરથી પૂરઝડપે ઉતરતા વાહનો અને કોર્પોરેટ રોડ તરફથી આવતા ટ્રાફિક વચ્ચે કોઈ યોગ્ય નિયંત્રણ ન હોવાને કારણે ચાલકોને અચાનક બ્રેક મારવી પડે છે. આ ખામીયુક્ત ડિઝાઇનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે અમદાવાદ પોલીસ કમિશનર કાર્યાલયને પત્ર લખીને તાત્કાલિક ધોરણે આ જંક્શન પર ટ્રાફિક સિગ્નલ મુકવાની અને ટ્રાફિક પોલીસ તૈનાત કરવાની માંગ કરી હતી.

ટ્રાફિક વિભાગ દ્વારા કેપ્સ્યુલ કટ અને બેરિકેડિંગનો અમલ
શુક્રવારે સવારે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્ય દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. ટ્રાફિકની સ્થિતિ સુચારુ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ટ્રાફિક પોલીસે બ્રિજના ઉતરાણ સ્થાન પર ‘કેપ્સ્યુલ એપ્રોચ’ અને ‘કેપ્સ્યુલ કટ’ તૈયાર કર્યા છે. આ કામગીરી હેઠળ કોર્પોરેટ રોડ પર સીધી અવરજવર બંધ કરવા બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા છે, જેથી વાહનો એકબીજા સાથે અથડાય નહીં અને વાહનોનો પ્રવાહ નિયંત્રિત રીતે વહેતો રહે.

બેરિકેડ્સથી વાહનચાલકો માટે નવી મુશ્કેલીઓ
બેરિકેડ્સ ગોઠવવાથી અકસ્માતો અટકાવવાનો પ્રયાસ કરાયો છે પરંતુ તેનાથી વાહનચાલકોની હાલાકીમાં વધારો થયો છે. પ્રહલાદનગર ચાર રસ્તાથી મકરબા અંડરબ્રિજ તરફ સીધા જઈ શકાતું નથી. વાહનચાલકોએ ડાબી બાજુ વળીને મકરબા ક્રોસરોડ્સ સુધી જઈને યુ-ટર્ન લેવો પડે છે, જેના કારણે માત્ર થોડી મિનિટોના અંતર માટે 10 મિનિટ જેટલો વધુ સમય બગાડવો પડે છે. એવી જ રીતે મકરબા અંડરબ્રિજથી આવતા લોકોએ એસ.જી. હાઇવે સર્વિસ રોડ તરફ જઈને યુ-ટર્ન લેવો પડે છે.

પ્રોજેક્ટ ખર્ચ વધારો અને નાગરિકોનો આક્રોશ
મકરબા રેલવે ક્રોસિંગ પર બનનારા આ ઓવરબ્રિજનો પ્રારંભિક અંદાજિત ખર્ચ રૂ. 73 કરોડ હતો, જે વધીને રૂ. 98.60 કરોડ થયો છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજના નિર્માણ પહેલાં જંક્શનના ટ્રાફિક મેનેજમેન્ટ અંગે અગાઉથી વિચારણા કેમ કરવામાં ન આવી? નાગરિકો આક્રોશ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે કે બ્રિજ ચાલુ થયા બાદ જ તંત્ર જાગ્યું છે અને હાલમાં મુકવામાં આવેલા બેરિકેડ્સથી માત્ર લાંબા ચક્કર જ વધ્યા છે, જેથી ત્યાં તાત્કાલિક કાયમી સિગ્નલ સિસ્ટમ ચાલુ કરવી જરૂરી છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤