કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને સાંસદ ગેનીબેન ઠાકોરે આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે વિરોધીઓ પર પ્રહારો કરતા કહ્યું કે, જો કોઈનામાં સાચી હિંમત હોય તો રાતના અંધારામાં છુપાઈને નહિ,
પરંતુ દિવસના અજવાળામાં સામે આવીને કોંગ્રેસના બેનરોને હાથ લગાડી બતાવે. તેમણે વધુમાં જણાવ્યું કે રાત્રે ચોરીછૂપીથી પ્રચાર સામગ્રીને નુકસાન પહોંચાડવું એ કાયરતાનું પ્રતીક છે. આ સાથે જ તેમણે પાર્ટીના તમામ કાર્યકરોને ચૂંટણી દરમિયાન સતર્ક રહેવાની અને કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ સામે જાગૃત રહેવાની સલાહ આપી છે.
રેન્જ IG સમક્ષ રજૂઆત: CCTV ફૂટેજ તપાસી દોષિતો સામે પગલાં લેવા માંગ
બેનરો ફાડી નાખવાના આ સમગ્ર મામલાને કોંગ્રેસે ગંભીરતાથી લીધો છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ગાંધીનગર રેન્જ આઈજી (IG) સમક્ષ રૂબરૂ રજૂઆત કરી છે. વિવાદિત વિસ્તારની આસપાસ આવેલા તમામ સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવે તેવી સ્પષ્ટ માગણી કરવામાં આવી છે,
જેથી આ કૃત્ય કરનારા તત્વોની ઓળખ થઈ શકે. કોંગ્રેસનું માનવું છે કે ચૂંટણીના શાંત વાતાવરણને ડહોળવા અને પક્ષના કાર્યકરોનું મનોબળ તોડવા માટે જ આ પ્રકારના કાવતરાં કરવામાં આવી રહ્યા છે.
પોલીસની કામગીરી સામે ગંભીર આરોપો: ‘પ્રજાને ડરાવવાનું બંધ કરે પોલીસ’
માત્ર બેનર વિવાદ જ નહીં, પરંતુ ગેનીબેન ઠાકોરે સ્થાનિક પોલીસની ભૂમિકા સામે પણ તીખા સવાલો ઉઠાવ્યા છે. તેમણે આરોપ મૂક્યો છે કે પોલીસતંત્ર દ્વારા સામાન્ય નાગરિકો, રિક્ષાચાલકો, નાના લારી-ગલ્લા ધારકો તેમજ કોંગ્રેસના સક્રિય કાર્યકરો પર અયોગ્ય દબાણ લાવવામાં આવી રહ્યું છે.
તેમણે પોલીસને પોતાની બંધારણીય ફરજ યાદ અપાવતા કહ્યું કે, પોલીસનું મૂળ કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું તથા નાગરિકોને સુરક્ષા આપવાનું છે, નહીં કે કોઈ રાજકીય દબાણ હેઠળ આવીને સામાન્ય મતદારો કે કાર્યકરોને ડરાવવાનું કે ધમકાવવાનું.



