બીજી વન-ડે માટે ભારતીય પ્લેઇંગ-11માં એક મોટો અને મહત્વનો ફેરફાર જોવા મળી શકે છે. અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને તક મળી શકે છે, જ્યારે યુવા બોલર આકિબ નબીને બેન્ચ પર બેસવું પડી શકે છે. સિરાજ પ્રથમ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ ન હતો પરંતુ, હવે તે ટીમ સાથે જોડાઈ ગયો છે. સિરાજના કમબેકથી ભારતીય પેસ એટેકને નવો બૂસ્ટ મળશે. બીજી તરફ આકિબ નબીએ પ્રથમ મેચમાં 6 ઓવરમાં 33 રન આપ્યા હતા અને એક પણ વિકેટ ઝડપી શક્યો ન હતો.
ટોપ ઓર્ડરની જવાબદારી રોહિત અને ગિલ પર
ઓપનિંગની મોટી જવાબદારી અનુભવી રોહિત શર્મા અને યુવા કેપ્ટન શુભમન ગિલ પર રહેશે. રોહિત પ્રથમ મેચમાં ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટ તેને પૂરો સપોર્ટ કરીને વધુ એક તક આપશે. ગિલ પણ કેપ્ટનશિપ ઇનિંગ રમીને ટોપ ઓર્ડરને મજબૂતી આપવાનો પ્રયાસ કરશે. ત્રીજા નંબરે ‘રન મશીન’ વિરાટ કોહલી મેદાનમાં ઉતરશે. કોહલીએ પ્રથમ મેચમાં 51 બોલમાં આક્રમક 74 રન બનાવીને ભારતની જીતમાં સિંહફાળો આપ્યો હતો અને તે અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે.
શું અક્ષર ફરી પાંચમા નંબરે આવશે?
ચોથા નંબર પર શ્રેયસ અય્યરને તક મળી શકે છે, જે અગાઉની મેચમાં મળેલી સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો હતો. ભારતીય ટીમ મેનેજમેન્ટની નવી રણનીતિ મુજબ, લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન જાળવી રાખવા ઓલરાઉન્ડર અક્ષર પટેલને મિડલ ઓર્ડરમાં પાંચમા નંબરે ઉતારવામાં આવી શકે છે. આ સ્થિતિમાં વિકેટકીપર કે.એલ. રાહુલ છઠ્ઠા નંબરે ફિનિશરની ભૂમિકા ભજવશે. નીચલા ક્રમમાં નમન ધીર પોતાની આક્રમક બેટિંગથી ટીમને મજબૂતી પ્રદાન કરી શકે છે.
પિચ રિપોર્ટ અને કીવી ટીમનું કાઉન્ટર એટેક પ્લાનિંગ
વેલિંગ્ટનની પિચ હંમેશાથી ફાસ્ટ બોલરો માટે સ્વર્ગ સમાન રહી છે. અહીંની હવા અને પિચનો બાઉન્સ પેસર્સને ખૂબ જ મદદ કરે છે. ભારતના અર્શદીપ સિંહ, અંશુલ કંબોજ અને ગુરનૂર બરાર ફરી એકવાર ઝળહળી શકે છે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડની ટીમ માટે મોટા ઝટકા સમાન છે કે સ્ટાર ઓપનર ડેવોન કોનવે કન્કશનના કારણે સીરીઝમાંથી બહાર થઈ ગયો છે, તેના સ્થાને નિક કેલીનો સમાવેશ કરાયો છે. જોકે, કીવી ટીમ માટે રાહતના સમાચાર એ છે કે અનુભવી ફાસ્ટ બોલર મેટ હેનરી સંપૂર્ણ ફિટ છે અને તે પ્લેઇંગ-11 માં વાપસી કરશે, જેનાથી ન્યૂઝીલેન્ડનું બોલિંગ આક્રમણ ઘાતક બનશે.



