Supreme Court bail rules: દેશની અદાલતોમાં કેસોના નિકાલમાં થતી મોડી પ્રક્રિયા અને નિર્ણયો લેવામાં થતા વિલંબને રોકવા માટે સુપ્રીમ કોર્ટે એક મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. લોકોને વહેલો ન્યાય મળે તે હેતુથી સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઇકોર્ટ માટે કેટલાક કડક અને બંધનકર્તા દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, હાઇકોર્ટે કોઈપણ કેસમાં સુરક્ષિત રાખેલો ફેંસલો વધુમાં વધુ 3 મહિનાની અંદર સંભળાવી દેવો પડશે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.
જામીન અરજીઓ પર બીજા જ દિવસે નિર્ણય: જેલ સત્તાધીશોને તરત જાણ કરવી પડશે
સુપ્રીમ કોર્ટે વ્યક્તિગત સ્વતંત્રતાને ધ્યાનમાં રાખીને જામીનના મામલામાં પણ ખૂબ જ મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે જામીન સંબંધિત કેસોમાં બને ત્યાં સુધી સુનાવણીના બીજા જ દિવસે ચુકાદો આપી દેવો પડશે અને તે જ દિવસે જેલના અધિકારીઓને પણ તેની જાણ કરવાની રહેશે. આ ઉપરાંત, જે કેસોમાં આરોપીઓ પહેલેથી જ જેલમાં (અંડરટ્રાયલ) છે, તેમને જામીન મળ્યાના તે જ દિવસે અથવા તો વધુમાં વધુ તેના બીજા દિવસે જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે ટ્રાયલ કોર્ટે હાઇકોર્ટને નિયમોના પાલન અંગે રિપોર્ટ સોંપવો પડશે.
ચુકાદાનું મુખ્ય કારણ 7 દિવસમાં વેબસાઇટ પર અપલોડ કરવું ફરજિયાત
સુપ્રીમ કોર્ટના નવા નિયમો પ્રમાણે, કોર્ટે ચુકાદો આપતી વખતે માત્ર તેનો મુખ્ય નિર્ણય (ઓપરેટિવ પાર્ટ) જ તરત જાહેર કરવાનો રહેશે. જોકે, એ નિર્ણય કયા કારણે લેવાયો છે તેની પૂરી વિગતો 7 દિવસની અંદર કોર્ટની વેબસાઇટ પર મૂકવી ફરજિયાત રહેશે. આ સાથે જ, કયા કેસનો ચુકાદો કઈ તારીખથી સુરક્ષિત રાખવામાં આવ્યો છે, તેની માહિતી પણ હાઇકોર્ટની વેબસાઇટ પર ચોક્કસપણે બતાવવી પડશે.
જો 3 મહિનામાં ચુકાદો નહીં આવે તો કેસ બીજી બેન્ચને સોંપાશે
અદાલતોમાં ચુકાદાઓ ઓનલાઇન અપલોડ કરવામાં થતા અતિશય વિલંબને જોતાં સુપ્રીમ કોર્ટે કડક જોગવાઈ કરી છે. જો કોઈ જજ 3 મહિનામાં સુરક્ષિત રાખેલો ફેંસલો નહીં સંભળાવે, તો રજિસ્ટ્રાર જનરલ આ મામલો હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સામે મૂકશે. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વધુમાં વધુ 2 અઠવાડિયાનો સમય આપી શકશે અને જો ત્યારપછી પણ નિર્ણય નહીં આવે તો એ કેસ સુનાવણી માટે બીજી બેન્ચને ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
તેવી જ રીતે, જો ચુકાદો આપ્યાના 15 દિવસમાં કારણો અપલોડ કરવામાં નહીં આવે, તો અરજી કરી શકાશે. જો 30 દિવસ સુધી કારણો ઓનલાઇન મૂકવામાં નહીં આવે, તો કેસ પાછો ખેંચીને નવી બેન્ચ સમક્ષ સુનાવણી માટે લઈ જવાની અરજી આપી શકાશે.
ઝારખંડ હાઇકોર્ટની ફરિયાદ બાદ સુપ્રીમ કોર્ટે લીધું કડક વલણ
સુપ્રીમ કોર્ટનો આ મોટો આદેશ એક અરજી પર સુનાવણી દરમિયાન આવ્યો છે. અરજીકર્તાઓએ ફરિયાદ કરી હતી કે ઝારખંડ હાઇકોર્ટે તેમની ફોજદારી અપીલ પર અંતિમ ચર્ચા સાંભળ્યા પછી પણ છેલ્લા 2થી 3 વર્ષથી ફેંસલો સુરક્ષિત રાખ્યો છે અને કોઈ નિર્ણય આપવામાં આવી રહ્યો નથી. આ ગંભીર ફરિયાદ બાદ ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે આ મામલાનો વ્યાપ વધારીને દેશની તમામ હાઇકોર્ટ પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો કે કઈ કોર્ટમાં કેટલા સમયથી ફેંસલા સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને ત્યારબાદ આ કડક ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. દેશની તમામ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ ગાઇડલાઇન્સ પોતાના ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવા આદેશ અપાયો છે.


Leave a Comment