NEET UG paper leak Supreme Court: સુપ્રીમ કોર્ટે શુક્રવારે NEET-UG પેપર લીક વિવાદ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિને આકરા સવાલો કર્યા છે. કોર્ટે તીખી ટિપ્પણી કરતાં પૂછ્યું કે, દેશમાં આટલી મોટી દેખરેખ પદ્ધતિઓ અને ઓવરસાઇટ કમિટીઓ હોવા છતાં આટલી મોટી સુરક્ષા ખામી કેવી રીતે સર્જાઈ? આ સુનાવણી દરમિયાન NTA અને સમિતિ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા.
PM પોતે સમગ્ર મામલે નજર રાખી રહ્યા છે
NEET-UG પરીક્ષા રદ કરવા અને પેપર લીક મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે એક મોટો ખુલાસો કર્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સર્વોચ્ચ અદાલતને સત્તાવાર રીતે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ સમગ્ર મામલા અને લીકની તપાસ પ્રક્રિયા પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખી રહ્યા છે.
સર્વોચ્ચ અદાલતે સરકાર પાસે એક એફિડેવિટ (સોગંદનામા) દ્વારા પેપર લીકની તપાસની પ્રક્રિયા અને તેની પૂર્ણ કઈ રીતે અને કઈ પદ્ધતિથી કરવામાં આવશે તેની વિગતવાર માહિતી આપતો જવાબ માંગ્યો હતો, જેના પગલે સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી.
લાઈવ લોના અહેવાલ મુજબ, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે, “વડાપ્રધાન પોતે વ્યક્તિગત રીતે આની દેખરેખ રાખી રહ્યા છે. સમગ્ર મામલે સતત અપડેટ લઇ રહ્યા છે.”
સુપ્રીમ કોર્ટે મોનિટરિંગ સિસ્ટમ સામે ઉઠાવ્યા સવાલ
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ પી.એસ. નરસિમ્હાની બેન્ચે ઇસરો(ISRO)ના પૂર્વ ચેરમેન ડૉ. કે. રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની કમિટીની કામગીરીની સમીક્ષા કરી હતી. જસ્ટિસ નરસિમ્હાએ સવાલ કર્યો કે ડૉ. રાધાકૃષ્ણન પહેલા હાઇ-પાવર્ડ કમિટીનો ભાગ હતા અને બાદમાં તેમને મોનિટરિંગ કમિટીમાં નિયુક્ત કરાયા, તો પછી ભલામણોના અમલીકરણનું વાસ્તવિક મોનિટરિંગ કેટલું થયું? કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “જો આટલી દેખરેખ અને મોનિટરિંગ હોવા છતાં પણ સિસ્ટમ નિષ્ફળ ગઈ છે, તો તેનો સીધો અર્થ એ છે કે મોનિટરિંગની પ્રક્રિયામાં જ કોઈ મોટી ખામી રહી ગઈ છે”.
કોઈને બલિનો બકરો ન બનાવો સંસ્થાકીય જવાબદારી નક્કી કરો
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર સુરક્ષા વધારવાથી કે કમિટીઓની બેઠકો યોજવાથી પેપર લીક જેવી ગંભીર ઘટનાઓ નહીં અટકે, જ્યાં સુધી તંત્રમાં જવાબદારી (Accountability) નક્કી કરવામાં ન આવે. “જ્યાં સુધી સિસ્ટમમાં વાસ્તવિક જવાબદારી નક્કી નહીં થાય, ત્યાં સુધી આ મુખ્ય સમસ્યા બંધ નહીં થાય. આ જવાબદારી માત્ર કોઈ એક વ્યક્તિને પકડીને તેને બલિનો બકરો બનાવવા પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ, પરંતુ સિસ્ટમમાં અંતિમ જવાબદારી કોની બને છે તે સ્પષ્ટપણે વ્યાખ્યાયિત થવું જોઈએ.” – સુપ્રીમ કોર્ટ
કોર્ટે ચેતવણી આપી કે, જો નિષ્ફળતા માટે સત્તાવાળાઓ ચોક્કસ જવાબદારી નક્કી નહીં કરે, તો સંસ્થાકીય ખામીઓ વારંવાર પુનરાવર્તિત થતી રહેશે.
કમિટીની ભલામણો અને પેપર લીકનું મુખ્ય કારણ
અદાલતના સવાલોનો જવાબ આપતાં ડૉ. રાધાકૃષ્ણનને જણાવ્યું કે, સમિતિએ પરીક્ષા સુરક્ષા અને વહીવટી સુધારા માટે કુલ 101 ભલામણો સબમિટ કરી છે. આ ભલામણો પૈકી 60 ટૂંકા ગાળાના સુધારાઓ ખાસ કરીને 2026ની પરીક્ષા દરમિયાન લાગુ કરવા માટે તૈયાર કરાયા હતા, જેમાંથી મોટાભાગના સુધારા અમલમાં આવી ચૂક્યા છે. પેપર લીક થવાના મુખ્ય કારણ અંગે તેમણે સ્વીકાર્યું કે ખરી સમસ્યા પ્રશ્નપત્ર સેટ કરવાની પ્રક્રિયામાં હતી. હવે પ્રશ્નપત્રનું સેટિંગ ફ્રેમવર્કને વધુ મજબૂત અને સુરક્ષિત કરવામાં આવી રહ્યું છે. તેમણે કોર્ટને ખાતરી આપી હતી કે આગામી દિવસોમાં યોજાનારી રી-ટેસ્ટમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન નહીં થાય.
હવે આગળ શું? કાયમી સુધારા પર કોર્ટનો ભાર
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને માહિતી આપી કે, પેપર લીક અંગેની તપાસ હજુ પણ ચાલુ છે. આગામી 21 જૂને યોજાનારી પુનઃપરીક્ષા (Re-examination) પહેલા સંપૂર્ણપણે નવી અને સખત સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે અને ઉચ્ચ સ્તરે તેનું નિરીક્ષણ થઈ રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે કામચલાઉ નહી કાયમી ઉકેલ માગ્યો
જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ સુરક્ષા વ્યવસ્થાઓ માત્ર કામચલાઉ વ્યવસ્થા ન રહેવી જોઈએ, પરંતુ તંત્રમાં એક કાયમી સંસ્થાકીય કામગીરી તરીકે સ્થાપિત થવી જોઈએ જેથી ભવિષ્ય સુરક્ષિત બને. NTAને મજબૂત કરવા માટે હવે IIT-JEE અને કેન્દ્રીય વિદ્યાલય સિસ્ટમ સાથે સંકળાયેલા ટોચના વિષય નિષ્ણાતોને પણ આ પરીક્ષા પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા છે.


Leave a Comment