હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે વધુ એક કરૂણ દુર્ઘટના સામે આવી છે. લાહૌલ-સ્પીતી જિલ્લાના પાંગી-ઉદયપુર માર્ગ પર ચાલતી ટાટા સુમો પર અચાનક પહાડનો મોટો ભાગ તૂટી પડતાં 6 મહિનાના બાળક સહિત 13 લોકોના મોત થયા છે. અકસ્માતમાં બે લોકો બચી ગયા હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટના બાદ પોલીસ, બચાવ દળ અને સ્થાનિક પ્રશાસને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી છે.
કુડૂનાળા પાસે સર્જાઈ ભયાનક દુર્ઘટના
માહિતી અનુસાર, લાહૌલ ઘાટીથી અંદાજે 60થી 70 કિલોમીટર દૂર કુડૂનાળા વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. ટાટા સુમો પાંગી તરફ જઈ રહી હતી ત્યારે પહાડ પરથી અચાનક મોટા પથ્થરો અને કાટમાળ વાહન પર તૂટી પડ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો અને તેના પાછળના ભાગમાં આગ પણ લાગી ગઈ હતી.
15માંથી 13ના મોત, બે લોકો બચ્યા
ભરમૌર-પાંગીના ધારાસભ્ય જનક રાજે જણાવ્યું, કે વાહનમાં કુલ 15 લોકો સવાર હતા. અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે, જેમાં 6 મહિનાનું બાળક પણ સામેલ છે. બે લોકો જીવતા બચી ગયા છે, જ્યારે એક ઇજાગ્રસ્તને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે
લાહૌલ-સ્પીતી પોલીસ અને બચાવ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગયા છે. લાહૌલ-સ્પીતીની DSP રશ્મિ શર્માએ જણાવ્યું કે અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ટીમને રવાના કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.
અકસ્માતનો વીડિયો આવ્યો સામે
ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. વીડિયોમાં અકસ્માતગ્રસ્ત ટાટા સુમોના પાછળના ભાગમાં આગ લાગેલી જોવા મળે છે. સ્થાનિક લોકો અને સેનાના જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. અકસ્માતની ગંભીરતા દર્શાવતા દ્રશ્યોમાં વાહન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત અને આસપાસ કાટમાળ ફેલાયેલો દેખાય છે.
રસ્તો ખુલતા જ પાંગી તરફ નીકળ્યા હતા મુસાફરો
પ્રાથમિક માહિતી મુજબ, ઉદયપુર-કિલાડ માર્ગ અગાઉના દિવસે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બંધ હતો. તેથી તમામ મુસાફરો તિંડી વિસ્તારમાં રોકાયા હતા. માર્ગ ખુલ્યા બાદ તેઓ પાંગી તરફ રવાના થયા હતા, પરંતુ કુડૂનાળા પાસે પહોંચતા જ આ દુર્ઘટના બની ગઈ.
હિમાચલમાં સતત વધી રહ્યા છે ભૂસ્ખલનના બનાવ
ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે. શુક્રવારે સવારે મંડી જિલ્લાના જોગિન્દ્રનગર નજીક પણ લેન્ડસ્લાઇડની ઘટના બની હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને સાત લોકો ઘાયલ થયા હતા. સતત વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવાની અપીલ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.




Leave a Comment