દેશભરમાં પરીક્ષા પેપર લીકના મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને રાજકીય ઘમાસાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકના કેસોને લઈને સરકારનું કડક વલણ જાહેર કર્યું છે. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં તેમણે જણાવ્યું, કે દેશના યુવાનોનું ભવિષ્ય સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ દોષિતને છોડવામાં આવશે નહીં.
ઝડપી કાર્યવાહી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત વડાપ્રધાને જણાવ્યું, કે પેપર લીકના તમામ કેસોની ઝડપી સુનાવણી અને દોષિતોને કડક સજા મળે તે માટે સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરશે. સંબંધિત વિભાગો અને અધિકારીઓને આ પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું.

વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા પીએમ મોદીના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે અને ભરતી તેમજ પ્રવેશ પરીક્ષાઓમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સરકાર સતત કડક પગલાં લઈ રહી છે. પેપર લીક સામેની આ કાર્યવાહી પણ તે જ દિશામાં લેવાયેલું મહત્વપૂર્ણ પગલું છે.
પેપર લીક મુદ્દે રાજકીય ઘમાસાણ યથાવત ઉલ્લેખનીય છે, કે NEET સહિત વિવિધ પરીક્ષાઓમાં પેપર લીકના આક્ષેપોને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. વિવિધ રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો જવાબદારી નક્કી કરવાની અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાનની ફાસ્ટ ટ્રેક કોર્ટ અંગેની જાહેરાતને સરકારના મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહી છે.




Leave a Comment