![]()
Raveena Tandon On Stray Dogs: પંજાબમાં રખડતા કૂતરાઓના વધતા ત્રાસને રોકવા માટે સરકાર દ્વારા લેવાયેલા એક કડક નિર્ણય બાદ બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન અવાજ વિનાના પ્રાણીઓના સમર્થનમાં આવી છે. પંજાબમાં રસ્તા પરના કૂતરાઓને હટાવીને શેલ્ટર હોમમાં મોકલવા અથવા માનવજાત માટે ખતરો બને તેવા સંજોગોમાં તેમને ‘ઇથનાઇઝ’ એટલે કે પીડામુક્ત મરણ આપવું અથવા મારી નાખવાની ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે રવિનાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને એક ભાવુક અપીલ કરી છે. ‘KGF: Chapter 2’ ફેમ અભિનેત્રીએ પંજાબ સરકારને વિનંતી કરી છે કે રખડતા પ્રાણીઓ અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયનો અમલ કરતી વખતે માનવતા અને કરુણાભર્યો અભિગમ રાખવામાં આવે.
“આપણે પ્રાણીઓ સાથે કેવું વર્તન કરીએ છીએ, તે આપણું પ્રતિબિંબ છે”
પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સત્તાવાર નિવેદન શેર કરતા રવિના ટંડને લખ્યું કે, “માનનીય મુખ્યમંત્રી ભગવંત માનજી, રસ્તા પરના પ્રાણીઓના સંચાલન અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશે દેશભરમાં એક મહત્ત્વપૂર્ણ ચર્ચા શરૂ કરી છે. જાહેર સુરક્ષા ચોક્કસપણે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, પરંતુ હું હૃદયપૂર્વક આશા રાખું છું કે આ નિર્ણયનો અમલ માનવતાભર્યા અને સંતુલિત રીતે જ કરવામાં આવશે. પ્રાણીઓની નસબંધી, રસીકરણ, યોગ્ય શેલ્ટર અને વ્યવસ્થિત પુનર્વસન જેવા કરુણાભર્યા ઉપાયોથી નાગરિકો અને પ્રાણીઓ બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પંજાબ સરકારે આ તકનો ઉપયોગ જવાબદારી અને દયાભાવ સાથે આ ગંભીર મુદ્દાનો ઉકેલ લાવવા માટે કરવો જોઈએ, જેથી તે અન્ય રાજ્યો માટે એક આદર્શ ઉદાહરણ બની શકે. નિવેદનના અંતમાં રવિનાએ માર્મિક શબ્દોમાં કહ્યું કે, “અવાજ વિનાના આ જીવો સાથે આપણે કેવું વર્તન કરીએ છીએ, તે આખરે સમાજ તરીકે આપણે કોણ છીએ તેનું પ્રતિબિંબ છે.”
પંજાબ સરકારનો શું છે નિર્ણય?
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એક નિવેદન આપ્યું હતું કે તેમની સરકાર રાજ્યમાં ભારે જાહેર અવરજવરવાળા વિસ્તારોમાંથી રસ્તાના કૂતરાઓને હટાવવાની દિશામાં સક્રિયપણે કામ કરી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જે કૂતરાઓ અત્યંત હિંસક અને આક્રમક છે અને માનવજીવન માટે સીધો ખતરો સાબિત થઈ શકે તેમ છે. તેમની સામે કાયદાકીય મંજૂરી ધરાવતા ઉપાયો જેમ કે ‘ઇથનાઇઝેશન’નો પણ ઉપયોગ કરવામાં આવશે.
આ પણ વાંચો: કાન્સમાં છવાઈ એશ્વર્યા રાય બચ્ચન, 1500 કલાકની મહામહેનતે તૈયાર કરેલો ડ્રેસ પહેરીને પહોંચી
સોનમ બાજવાએ પણ ઉઠાવ્યો હતો અવાજ
રવિના ટંડન પહેલાં પંજાબની લોકપ્રિય અભિનેત્રી સોનમ બાજવાએ પણ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભગવંત માનને આ મુદ્દે સંવેદનશીલતા દાખવવા અને પ્રાણીઓ પ્રત્યે કરુણાભર્યો માર્ગ અપનાવવા માટે આવી જ હૃદયસ્પર્શી અપીલ કરી હતી. ઓન-સ્ક્રીન સેલિબ્રિટીઝની આ અપીલ બાદ હવે સોશિયલ મીડિયા પર પણ એનિમલ રાઇટ્સ અને પબ્લિક સેફ્ટીને લઈને મોટી ચર્ચા જાગી છે.


Leave a Comment