‘હેરાફેરી 3’ને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. પ્રિયદર્શનના પ્રોજેક્ટમાંથી બહાર નીકળ્યા બાદ હવે અક્ષય કુમારની કંપની Cape of Good Hope LLPએ ટ્રેડ મેગેઝિનમાં જાહેર નોટિસ આપીને દાવો કર્યો છે કે ‘હેરાફેરી 3’ના તમામ પ્રકારના અધિકારો હવે તેમની પાસે છે. સાથે જ નોટિસમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે આ અધિકારોની વિરુદ્ધ જઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો તેની સામે કાનૂની પગલાં ભરાશે.
પ્રિયદર્શનના દાવાથી વિવાદ વધુ ઉગ્ર બન્યો
તાજેતરમાં મૂળ ‘હેરાફેરી’ ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શને સ્પષ્ટ કર્યું હતું કે હવે તેમનો ‘હેરાફેરી 3’ સાથે કોઈ સંબંધ નથી. વર્ષ 2025માં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે દાવો કર્યો હતો કે અક્ષય કુમારે નિર્માતા ફિરોઝ નડિયાદવાલા પાસેથી અંદાજે 10 કરોડ રૂપિયામાં ફિલ્મના તમામ અધિકારો ખરીદી લીધા છે. હવે અક્ષય કુમારની કંપનીએ સત્તાવાર નોટિસ જાહેર કરીને આ દાવાને મજબૂત બનાવ્યો છે અને ફ્રેન્ચાઇઝી પર અન્ય કોઈ હક હોવાનો દાવો કરે તો તે સીધો કાનૂની પડકાર ગણાશે એવો સંદેશ આપ્યો છે.
પરેશ રાવલની એન્ટ્રી-એક્ઝિટે પણ વધાર્યો ગૂંચવારો
‘હેરાફેરી 3’ની આસપાસનો ગૂંચવારો પહેલાથી જ વધી ગયો હતો. ફિલ્મના મહત્વના ચહેરા પરેશ રાવલે મે 2025માં પ્રોજેક્ટમાંથી અલગ થવાની જાહેરાત કરી હતી, જેના કારણે ફેન્સમાં નિરાશા ફેલાઈ હતી. જો, કે ત્યારબાદ સપ્ટેમ્બર 2025માં પરેશ રાવલે જ માર્ચ 2026થી ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું જણાવ્યું હતું, જેના કારણે ફિલ્મ ફરી ટ્રેક પર આવી રહી હોવાનો સંકેત મળ્યો હતો. પરંતુ હવે ફરીથી વિવાદ અને કાનૂની દાવાપેચ વચ્ચે ફિલ્મનું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે.
ફેન્સમાં ઉત્સુકતા, પરંતુ ફિલ્મ ફરી અટવાઈ
‘હેરાફેરી’ ફ્રેન્ચાઇઝી બોલિવૂડની સૌથી લોકપ્રિય કોમેડી સિરીઝમાંની એક માનવામાં આવે છે અને તેના ત્રીજા ભાગને લઈને દર્શકોમાં વર્ષોથી ભારે ઉત્સુકતા છે. પરંતુ કલાકારોના નિવેદનો, દિગ્દર્શકની એક્ઝિટ અને હવે માલિકીના હક્કોને લઈને શરૂ થયેલી કાનૂની લડાઈએ ફિલ્મને ફરી એકવાર અટકાવી દીધી છે. હવે જોવાનું રહેશે કે અક્ષય કુમારની કંપનીના આ દાવા બાદ ‘હેરાફેરી 3’નો રસ્તો સાફ થાય છે કે વિવાદ વધુ લંબાય છે.




Leave a Comment