Migraine symptoms causes treatment : આપણા મગજમાં થતા રાસાયણિક ફેરફારો માઈગ્રેન માટે મુખ્યત્વે જવાબદાર છે. જ્યારે મગજમાં ‘સેરોટોનિન’ નામના રસાયણનું સ્તર ઘટે છે, ત્યારે નર્વસ સિસ્ટમ વધુ સંવેદનશીલ બની જાય છે, જે દુખાવાને ટ્રિગર કરે છે. ખાસ કરીને 15 થી 55 વર્ષની વયના લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. આંકડાકીય રીતે જોઈએ તો, પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં હોર્મોનલ ફેરફારો (માસિક સ્રાવ કે ગર્ભાવસ્થા) ને કારણે માઈગ્રેન થવાની સંભાવના ઘણી વધારે હોય છે.
રોજિંદી આ ૩ ભૂલો માઈગ્રેનને બનાવે છે જીવલેણ
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, માઈગ્રેનના દર્દીઓ ઘણીવાર કેટલીક પાયાની ભૂલો કરે છે, જે તેમના દુખાવાને અનેકગણો વધારી દે છે:
1. ઊંઘનો અભાવ અને સ્ક્રીન ટાઈમ:
માઈગ્રેન પીડિતો માટે પૂરતી ઊંઘ લેવી એ કોઈ દવા જેવું જ કામ કરે છે. ડૉ. દલજીત સમજાવે છે કે, દરરોજ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ અનિવાર્ય છે. આજકાલ લોકો મોડી રાત સુધી મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન સામે સમય વિતાવે છે, જેનાથી મગજ શાંત થઈ શકતું નથી અને ઊંઘની પેટર્ન ખોરવાય છે. આ આદત માઈગ્રેનને લાંબા ગાળે ગંભીર બનાવી શકે છે.
2. ઘોંઘાટ અને તેજસ્વી પ્રકાશ:
માઈગ્રેન ધરાવતી વ્યક્તિ માટે મોટા અવાજે સંગીત કે તેજસ્વી લાઈટ શત્રુ સમાન છે. મોટા અવાજોના સંપર્કમાં આવવાથી મગજ પર દબાણ વધે છે અને તીવ્ર દુખાવો શરૂ થઈ શકે છે. નિષ્ણાતો ભલામણ કરે છે કે દુખાવાના સમયે અથવા સામાન્ય સ્થિતિમાં પણ શાંત અને ઓછા પ્રકાશવાળી જગ્યાએ સમય વિતાવવો જોઈએ, જે મનને આરામ આપે છે અને તણાવ ઘટાડે છે.
3. ખાલી પેટ રહેવાની આદત:
ઘણા લોકો ડાયેટિંગ કે વ્યસ્તતાના કારણે લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે. ખાલી પેટ રહેવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે અને બ્લડ શુગર લેવલમાં ફેરફાર થાય છે, જે માઈગ્રેનને સીધું ટ્રિગર કરે છે. આ ઉપરાંત, વધુ પડતું કેફીન (ચા-કોફી), ચોકલેટ કે વાઈન જેવો ખોરાક પણ ઊંઘમાં ખલેલ પહોંચાડીને માઈગ્રેનનો હુમલો નોતરી શકે છે.
બચવાના ઉપાયો અને જીવનશૈલીમાં ફેરફાર
માઈગ્રેનથી બચવા માટે માત્ર દવાઓ પૂરતી નથી, પરંતુ જીવનશૈલીમાં સુધારો પણ જરૂરી છે. નિયમિત સમયે ભોજન લેવું, પૂરતું પાણી પીવું અને યોગ કે ધ્યાન જેવી પ્રવૃત્તિઓ દ્વારા માનસિક તણાવને નિયંત્રિત કરવો જોઈએ. જો તમને વારંવાર માથામાં ઝણઝણાટ, બોલવામાં મુશ્કેલી કે દ્રષ્ટિમાં ઝાંખપ જેવા લક્ષણો જણાય, તો ત્વરિત ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરવો હિતાવહ છે. યોગ્ય કાળજી અને શિસ્તબદ્ધ દિનચર્યા દ્વારા માઈગ્રેન જેવી ગંભીર સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે.




Leave a Comment