![]()
How to Identify Fake Fennel: ગુજરાતના ઊંઝામાં ફૂડ સેફ્ટી વિભાગે એક મોટી રેડ પાડીને એક ફેક્ટરીમાંથી 3500 કિલોગ્રામથી પણ વધુ નકલી વરિયાળી અને 140 કિલો જેટલો ખતરનાક કેમિકલ જથ્થો પકડી પાડ્યો છે. આ ફેક્ટરી કોઈપણ જાતના સરકારી કે FSSAI લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી હતી. તપાસ દરમિયાન અધિકારીઓને ખબર પડી કે વરિયાળીને બહુ વધારે લીલી અને એકદમ ચમકદાર બતાવવા માટે તેમાં માણસો ન ખાઈ શકે તેવો ઝેરી કેમિકલ કલર મિક્સ કરવામાં આવતો હતો. હવે સૌથી મોટી ચિંતા એ વાતની છે કે આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હશે અને આવી કેમિકલવાળી કેટલી વરિયાળી લોકોના રસોડા કે બજાર સુધી પહોંચી ગઈ હશે!
લીલી વરિયાળી એટલે કેમિકલ રંગ?
હોટેલ-રેસ્ટોરન્ટમાં જમ્યા પછી કે ઘરમાં માઉથ ફ્રેશનર તરીકે વરિયાળીનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે. પરંતુ બજારમાં મળતી જરૂરિયાત કરતાં વધુ પડતી લીલી અને ચમકદાર વરિયાળી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ઘણી વખત વધુ કમાણી કરવાની લાલચમાં ફેક્ટરી માલિકો તેમાં એવો કેમિકલ રંગ ભેળવે છે જે માનવ શરીર માટે બિલકુલ સુરક્ષિત નથી. આ રંગ પેટની ગંભીર બીમારીઓથી લઈને લિવર અને કિડનીને ભારે નુકસાન પહોંચાડી શકે છે. જો કે, કેટલીક સરળ રીતો અપનાવીને નકલી અને અસલી વરિયાળીને સરળતાથી ઓળખી શકાય છે.
હથેળી ટેસ્ટ: ઘર બેઠા આ રીતે કરો અસલી-નકલીની ઓળખ
બજારમાંથી ખરીદેલી વરિયાળી અસલી છે કે તેમાં કેમિકલ ભળેલું છે, તેની તપાસ તમે ઘરે જ ખૂબ જ સરળતાથી કરી શકો છો. આ માટેની સૌથી પહેલી રીત ‘હથેળી ટેસ્ટ’ છે. સૌથી પહેલા થોડી વરિયાળી લઈને તેને તમારી હથેળીઓ પર રાખો અને આપસમાં બરાબર ઘસો. જો ઘસ્યા પછી તમારી હથેળી પર લીલો રંગ લાગી જાય અથવા હથેળીનો રંગ બદલાઈ જાય, તો સમજી જવું કે તેમાં આર્ટિફિશિયલ કલર ઉમેરવામાં આવ્યો છે. અસલી વરિયાળીને હાથથી ઘસવા પર તે ક્યારેય પોતાનો રંગ છોડતી નથી.
પાણીનો ટેસ્ટ પણ છે ઉપયોગી
નકલી વરિયાળીને ઓળખવાનો બીજો સૌથી બેસ્ટ રસ્તો પાણીનો ટેસ્ટ છે. આ માટે કાચના એક ગ્લાસમાં થોડું ચોખ્ખું પાણી લો અને તેમાં એક ચમચી વરિયાળી નાખો. ત્યાર બાદ પાણીને બરાબર હલાવો અને થોડીવાર માટે એમ જ છોડી દો. જો વરિયાળીમાં કેમિકલ ડાઈ મિક્સ કરેલી હશે, તો પાણીનો રંગ તરત જ ઘાટો લીલો અથવા કેમિકલ જેવો દેખાવા લાગશે. બીજી તરફ, જો વરિયાળી નેચરલ હશે તો પાણીના રંગમાં બહુ સામાન્ય કે નજીવો બદલાવ આવશે.
આ પણ વાંચો: સ્વિમિંગ પૂલમાં કલાકો સુધી નહાતા પહેલાં આ જાણી લેજો, નહિતર આંખોમાં થશે ગંભીર ઇન્ફેક્શન
વરિયાળી ખરીદતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
વધુ પડતી ચમકથી દૂર રહો: વરિયાળી ખરીદતી વખતે હંમેશા બહુ વધારે ઘાટા લીલા અને એકદમ ચમકદાર દાણા જોઈને લાલચમાં ન આવવું જોઈએ. અસલી વરિયાળીનો રંગ થોડો આછો અને નેચરલ હોય છે.
FSSAI માર્ક ચેક કરો: હંમેશા પેક્ડ અને ભરોસાપાત્ર બ્રાન્ડ્સમાંથી જ વરિયાળી કે અન્ય મસાલા ખરીદો, જેના પેકિંગ પર FSSAIનો લોગો અને લાયસન્સ નંબર સ્પષ્ટ રીતે લખેલો હોય.
ખુલ્લી વરિયાળી ખરીદવાનું ટાળો: બજારમાં ખુલ્લામાં મળતી, ખૂબ જ સસ્તી અને અજીબ સુગંધ આવતી વરિયાળી ખરીદવાનું હંમેશા ટાળવું જોઈએ, કારણ કે તે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.


Leave a Comment