દેલવાડા ગામની 4 વર્ષીય દ્વારિકાને ગત 26 જુલાઈએ અચાનક તાવ અને ઊલટીઓ થતાં પરિવારે તેને તાત્કાલિક મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. લક્ષણો શંકાસ્પદ જણાતાં ગાંધીનગર લેબમાં બ્લડ સેમ્પલ મોકલાયા હતા. 27 જુલાઈએ રિપોર્ટ પોઝિટિવ આવતાં જ બાળકીને વડનગર સિવિલના આઈસીયુ (ICU)માં ખસેડાઈ હતી પરંતુ, વાયરસ એટલો ઘાતક નિવડ્યો કે 28 જુલાઈની રાત્રે માસૂમે અંતિમ શ્વાસ લીધા હતા.
દેલવાડાના 250થી વધુ ઘરોમાં ઈમરજન્સી સર્વેલન્સ
બાળકીના મોત બાદ ઊંઘમાંથી જાગેલા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કૌશિક ગજ્જર અને તેમની ટીમે સમગ્ર દેલવાડા ગામને કોર્ડન કરીને ડોર-ટુ-ડોર સર્વે હાથ ધર્યો છે. ગામના 250થી વધુ ઘરોમાં જંતુનાશક દવાઓ અને દીવાલો પર સ્પ્રેઈંગ શરૂ કરી દેવાયું છે, જેથી અન્ય બાળકો સુધી આ વાયરસ ન ફેલાય.
સરપંચે કરી કડક તબીબી સાવચેતીની અપીલ
પ્રથમ મોતથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. દેલવાડાના સરપંચ ગોવિંદસિંહ સોલંકીએ લોકોને અપીલ કરી છે કે, “આ વાયરસ બાળકો માટે ખૂબ જ જોખમી છે. જો કોઈ પણ બાળકમાં અચાનક તાવ, ઊલટી, ચક્કર કે સુસ્તી જેવાં લક્ષણો દેખાય, તો ઘરમાં ઈલાજ શોધવાને બદલે સીધા જ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) પર પહોંચો.”
બાળકીના મોત બાદ તંત્રની આંખો ખુલી
ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે રેતીમાખી (Sandfly)ના કરડવાથી ફેલાય છે અને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઝડપથી નિશાન બનાવે છે. બાળકીના કમનસીબ મોત બાદ હવે સમગ્ર ઉત્તર ગુજરાતના આરોગ્ય તંત્ર માટે આ વાયરસ મોટો પડકાર બની ગયો છે.




Leave a Comment