રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી વિષયના શિક્ષકોની અછત દૂર કરવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ખાસ કરીને, ધોરણ 6થી 8માં અંગ્રેજી વિષયના શિક્ષકોની ઘટને ધ્યાનમાં રાખીને મંજૂર મહેકમ ઉપરાંત 9,700 જ્ઞાન સહાયકોની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી એક તરફ શાળાઓમાં અંગ્રેજી શિક્ષણને મજબૂતી મળશે તો બીજી તરફ, હજારો શિક્ષિત યુવાનોને રોજગારીની તક પણ મળશે.
11 મહિનાના કરાર આધારિત થશે ભરતી
પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પસંદગી પામનારા ઉમેદવારોને 11 મહિનાના કરાર આધારિત નિયુક્તિ આપવામાં આવશે. જ્ઞાન સહાયકોને દર મહિને ₹21,000નું માનદ વેતન આપવામાં આવશે. ભરતી માટે ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 42 વર્ષ નક્કી કરવામાં આવી છે.
આ રીતે રહેશે ભરતીનું સંપૂર્ણ સમયપત્રક
અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક તરીકે જોડાવા ઇચ્છતા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
- 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ: ઓનલાઈન અરજી પ્રક્રિયા
- 12 ઓગસ્ટ: મેરિટ લિસ્ટ જાહેર થશે
- 17 ઓગસ્ટ: દસ્તાવેજ ચકાસણી (Document Verification)
ત્યારબાદ ઉમેદવારોને શાળા પસંદગી અને રિપોર્ટિંગની પ્રક્રિયા પૂર્ણ કરાવવામાં આવશે.
શિક્ષણ વ્યવસ્થાને મળશે મજબૂતી
રાજ્ય સરકારનું માનવું છે, કે આ ભરતીથી સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી વિષયના શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે અને લાંબા સમયથી રહેલી શિક્ષકોની અછત પણ દૂર થશે. સાથે જ રાજ્યના હજારો લાયકાત ધરાવતા યુવાનોને સરકારી શાળાઓમાં સેવા આપવાની તક મળશે.




Leave a Comment