નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. રસ્તા પરથી પસાર થઈ રહેલો મજૂરો ભરેલો ટેમ્પો અકસ્માતે હાઈટેન્શન વીજળીના વાયરને અડી જતાં સમગ્ર વાહનમાં કરંટ ફરી વળ્યો હતો. આ દુર્ઘટનામાં 3 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય 3 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા છે.
3ના મોત, 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
અકસ્માત બાદ ટેમ્પોમાં સવાર મજૂરોને જોરદાર વીજકરંટ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં 3 મજૂરોએ સ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા 2 મજૂરોને તાત્કાલિક સારવાર માટે ખારેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે વધુ એક મજૂરની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે સુરત રિફર કરવામાં આવ્યો છે.
પોલીસે શરૂ કરી તપાસ
ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળનું પંચનામું કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે તેમજ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
સ્થાનિક આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા
દુર્ઘટનાની જાણ થતાં જ કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારો ગણદેવા ગામ તરફ રવાના થયા હતા. તેઓએ ઘટનાની માહિતી મેળવી પીડિત પરિવારોને સાંત્વના પાઠવવા તેમજ જરૂરી સહાય અંગે ચર્ચા કરી હતી.




Leave a Comment