વડોદરાઃ એક વર્ષ પહેલાં ૧૨ જૂને બનેલી અમદાવાદની પ્લેનક્રેશની દુર્ઘટનાના દ્શ્યો હજી ભૂલાઇ શકતા નથી.વિમાન જોતાં જ મૃતકોના સ્વજનોના શરીરમાં જાણે ભયનું લખલખું પસાર થઇ જતું હોય તેવી સ્થિતિ છે.
વડોદરાના જૈન પરિવારના સિનિયર સિટિઝન દંપતીના પરિવારજનોની પણ કાંઇ આવી જ સ્થિતિ છે.વાઘોડિયારોડ નારાયણ સ્કૂલ રોડ પર વિમલનાથ રેસિડેન્સીના જી ટાવરમાં રહેતા ઇન્દ્રવદન શશીકાન્તભાઇ દોશી અને તેમના પત્ની જ્યોતિબેનની મહારાષ્ટ્રમાં અકોલા ખાતે રહેતી એક પુત્રી તેમને થોડા સમય પહેલાં જ મળીને ગઇ હતી.જ્યારે યુકેમાં રહેતી બીજીપુત્રીને મળવાનો બંને માતા-પિતાને ખૂબ જ હરખ હતો.
પાડોશીઓના કહેવા પ્રમાણે,યુકે જવા નીકળેલા પતિ-પત્નીને વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર જવાનું હોવા છતાં મોડીરાત સુધી સૂતા નહતા.તેમની બંને પુત્રીઓએ બનાવ બાદ યાદગીરી રૃપે ફ્લેટ રાખી મૂક્યો છે.અકોલામાં રહેતી પુત્રીએ ઘટનાને એક વર્ષ પુરૃં થતાં કાંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો છે.પાડોશીઓ પણ હજી દંપતીને ભૂલી શકતા નથી.બંને પતિ-પત્ની પર્યુષણ પહેલાં આવી જઇશું તેમ કહીને ગયા હોવાથી તેમને યાદ કરતાં જ તેમની આંખો ભીંજાઇ જાય છે.
વડોદરા ફાયર બ્રિગેડના 60 જવાનોએ મૃતદેહ અને અવયવો ભેગા કર્યા હતા
કપરી કામગીરીનું વર્ણન હવે જુનિયર જવાનોને બોધ રૃપે કરવામાં આવી રહ્યું છે
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં વડોદરા ફાયર બ્રિગેડના તત્કાલીન ચીફ ફાયર સહિત ૬૦ જવાનોની ટીમે કરેલી કામગીરી તેમના માટે કાયમની યાદગીરી રૃપે રહી છે.
સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદે કહ્યું હતું કે,અમારી ટીમ પહોંચી ત્યારે કેટલાક મૃતદેહ કોલસા જેવા થઇ ગયા હતા.તેમને બહાર કાઢતાં જ અવયવો અલગ થઇ જતા હતા.અમારા જવાનોએ ખૂબ જ ધીરજ પૂર્વક અને હિંમતથી રાત-દિવસ કામગીરી કરી અવયવો ભેગા કર્યા હતા.
સિનિયર સબ ઓફિસર રવીન્દ્ર કદમનું કહેવું છે કે,૩૦ વર્ષની કામગીરીમાં સૌથી વધુ કપરી કહેવાય તેવી આ એક કામગીરી હતી.જવાનોએ ભૂખ-તરસ વેઠીને માનવતાને આગળ રાખી આખો દિવસ અને રાત મહેનત કરી હતી.અમારો અનુભવ નવા ભરતી થયેલા સૈનિકો માટે બોધરૃપ છે.જ્યારે,ડે ચીફ ફાયર અમિત ચૌધરીએ કહ્યું હતું કે,બનાવ બન્યો ત્યારે હું ટ્રેનિંગમાં હતો,પરંતુ ત્યાંથી પરત ફરતાં સૌથી પહેલું કામ ઘટના સ્થળનું નિરીક્ષણ અને કામગીરીનું અવલોકનનું કર્યું હતું.


Leave a Comment