ગાંધીનગરમાં ₹89 કરોડના ખર્ચે બનેલા સાદરા-અલુવા બ્રિજના લોકાર્પણના માત્ર 48 કલાક બાદ જ એપ્રોચ રોડ પર મોટું ગાબડું પડતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ભારે વરસાદ બાદ બ્રિજના અલુવા તરફના એપ્રોચ રોડની માટી ધસી ગઈ હતી અને રોડનો મોટો ભાગ નીચે ધસી જતાં મોટું ગાબડું પડી ગયું હતું. નવા નકોર બ્રિજની આ સ્થિતિ વાહનચાલકો માટે જોખમી સર્જાઈ હતી.
લોકાર્પણના બે દિવસમાં જ એપ્રોચ રોડ ધસી ગયો
માણસા તાલુકામાં સાબરમતી નદી પર નિર્માણ પામેલા આ બ્રિજનું 21 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓનલાઈન ઈ-લોકાર્પણ કર્યું હતું, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ પર હાજર રહી પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. જો, કે 23 જુલાઈએ પડેલા ભારે વરસાદ બાદ બ્રિજને જોડતા એપ્રોચ રોડનો એક ભાગ ધસી જતાં મોટું ગાબડું પડી ગયું હતું.
વાહન વ્યવહાર વન-વે કરાયો
ઘટનાની જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને ઇજનેરો સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માત ટાળવા માટે તાત્કાલિક અસરથી રોડ પર વાહન વ્યવહાર એક તરફી કરવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા સ્થળ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભારે વરસાદથી માટી બેસી ગઈ હોવાનો દાવો
પુલના સુપરવાઇઝરના જણાવ્યા મુજબ, એપ્રોચ રોડ પર નવી માટી ભરવામાં આવી હતી અને ભારે વરસાદના કારણે પાણી અંદર ઉતરતાં માટી બેસી ગઈ હતી. તેમણે જણાવ્યું કે વરસાદ બંધ થયા બાદ રોડને સંપૂર્ણપણે પૂર્વવત કરવામાં આવશે. હાલ ગાબડાવાળા ભાગમાં માટી ભરીને પ્રાથમિક સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.




Leave a Comment