વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ખાસ કરીને, ગોત્રી નજીકના ભાયલી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલના અભાવે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ગામનું તળાવ છલકાઈ જતાં પૂર જેવું પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું છે. પાણીની સાથે સાપ, નોળિયા અને માછલાં પણ ઘરોમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
સરદારનગરમાં ઘરોમાં ભરાયા બેથી ત્રણ ફૂટ પાણી
ભાયલીના સરદારનગર વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી છે. અનેક ઘરોમાં બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. પાણીમાં ઝેરી સાપ તરતા દેખાતા લોકો નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને લઈને સુરક્ષિત સ્થળોએ જવા મજબૂર બન્યા હતા. વરસાદી પાણીના કારણે સમગ્ર વિસ્તારનું જનજીવન ખોરવાઈ ગયું છે.
સ્થાનિકોનો તંત્ર અને કોર્પોરેટરો સામે રોષ
સ્થાનિક રહેવાસીઓએ વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરો સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. લોકોનું કહેવું છે, કે વર્ષોથી રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. સામાન્ય વરસાદમાં પણ ગટરો ઉભરાઈ જાય છે અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
24 કલાકમાં શહેરમાં 2.20 ઇંચ વરસાદ
હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 2.20 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ડભોઈમાં 2.01 ઇંચ, પાદરામાં 1.65 ઇંચ, શિનોરમાં 1.42 ઇંચ, વાઘોડિયામાં 1.18 ઇંચ, કરજણમાં 1.06 ઇંચ અને સાવલીમાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે.
રાહત કામગીરી અને પાણીના નિકાલની માંગ
સ્થાનિકોએ પાલિકા અને જિલ્લા તંત્ર પાસે તાત્કાલિક પાણીના નિકાલ, દવાઓના છંટકાવ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ અને કિંમતી સામાનને નુકસાન પહોંચ્યું હોવાનું પણ રહેવાસીઓએ જણાવ્યું છે. સાથે જ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમોને તાત્કાલિક મોકલી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની માંગ ઉઠી છે.




Leave a Comment