ઝિમ્બાબ્વે સામે હરારે ખાતે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ટીમે અદભુત પ્રદર્શન કરતાં યજમાન ટીમને 7 વિકેટે ધૂળ ચાટતી કરી દીધી છે. આ વિજય સાથે જ ભારતે સીરિઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. યુવા ખેલાડીઓના જોરે ભારતે માત્ર હારના સિલસિલાનો અંત જ નથી આણ્યો પરંતુ, ટી-20 અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના અનેક ઐતિહાસિક રેકોર્ડ્સ પણ ધ્વસ્ત કર્યા છે. ખાસ કરીને 15 વર્ષીય યુવા વૈભવ સૂર્યવંશી અને કેપ્ટન શ્રેયસ અય્યર માટે આ મેચ યાદગાર બની રહી છે.આવો નજર કરીએ આ મેચમાં બનેલા 5 મોટા રેકોર્ડ્સ પર.
વૈભવ સૂર્યવંશીનો વર્લ્ડ રેકોર્ડ
સચિન અને અફ્રિદીનો દાયકાઓ જૂનો રેકોર્ડ તૂટ્યો. ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની વયે અર્ધશતક ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. માત્ર 15 વર્ષ અને 118 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ફિફ્ટી ફટકારીને તેણે મહાન સચિન તેંડુલકર (16 વર્ષ 213 દિવસ) અને પાકિસ્તાનના શાહિદ અફ્રિદી (16 વર્ષ 214 દિવસ)નો દાયકાઓ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આંતરરાષ્ટ્રીય પુરુષ ક્રિકેટમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરે 50+ રન બનાવનાર તે વિશ્વનો સૌથી યુવા ખેલાડી બન્યો છે.
કેપ્ટન શ્રેયસ અય્યરનો અનિચ્છનીય રેકોર્ડ સમાપ્ત
ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરના નામે ટોસ જીતીને મેચ હારી જવાનો એક નારજગીજનક રેકોર્ડ નોંધાયો હતો. બલ્ગેરિયાના પ્રકાશ મિશ્રા સાથે સંયુક્ત રીતે ટોચ પર રહેલા અય્યરે સતત ૭ વાર ટોસ જીતવા છતાં મેચમાં વિજય મેળવ્યો નહોતો. જોકે, ઝિમ્બાબ્વે સામેની આ શાનદાર જીત સાથે જ તેનો આ શરમજનક સિલસિલો આખરે પૂરો થયો છે.
ભારતનો સૌથી લાંબો ‘વિનલેસ સ્પેલ’ થંભ્યો
ભારતીય ક્રિકેટ ટીમ માટે જૂન 2026થી જુલાઈ 2026નો સમયગાળો ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ખરાબ રહ્યો હતો. આ દરમિયાન ટીમ સતત 7 મેચ (6 હાર અને 1 ટાઈ) સુધી વિજય મેળવવામાં નિષ્ફળ રહી હતી. ભારતનો આ સૌથી લાંબો વિનલેસ સ્પેલ ઝિમ્બાબ્વેને હરાવીને આખરે પૂરો થયો છે. આ પહેલાં ભારતે 2009 અને 2021માં સતત 4-4 મેચ હારી હતી.
બોલ બાકી રહેવાના મામલે ચોથી સૌથી મોટી જીત
ઝિમ્બાબ્વેએ ભારત સામે 126 રનનો ટાર્ગેટ મૂક્યો હતો, જેને ભારતીય બેટ્સમેનોએ 40 બોલ બાકી રાખીને ખૂબ જ સરળતાથી હાંસલ કરી લીધો હતો. 120થી વધુ રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે બાકી રહેલા બોલની દ્રષ્ટિએ ટી૨૦માં ભારતની આ 4થી સૌથી મોટી જીત છે. આ યાદીમાં ભારતની સૌથી મોટી જીત ન્યૂઝીલેન્ડ સામે ગુવાહાટી (2026) ખાતે આવી હતી, જ્યાં ટીમે 60 બોલ બાકી રાખીને 154 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.




Leave a Comment