જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ 2026 માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનો સત્તાવાર ડ્રો અને સમયપત્રક જાહેર કરવામાં આવ્યો છે. ક્રિકેટને ચોથી વખત એશિયન ગેમ્સમાં સ્થાન મળ્યું છે. ભારત પુરુષ અને મહિલા બંને વર્ગમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ટોચની સીડીંગ મળવાને કારણે ભારત અને પાકિસ્તાન બંને ટીમોને સીધો ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મળ્યું છે.
સેમિફાઇનલ અથવા ફાઇનલમાં જ થઈ શકે ભારત-પાકિસ્તાનનો મુકાબલો
ડ્રો અનુસાર ભારત અને પાકિસ્તાનને અલગ-અલગ ભાગમાં રાખવામાં આવ્યા છે. તેના કારણે બંને ટીમો વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ ત્યારે જ શક્ય બનશે જ્યારે બંને પોતાની ક્વાર્ટર ફાઇનલ અને સેમિફાઇનલની મેચ જીતશે. એટલે કે પુરુષ વર્ગમાં ભારત-પાકિસ્તાનની ટક્કર માત્ર સેમિફાઇનલ અથવા ફાઇનલમાં જ જોવા મળી શકે છે.
T20 ફોર્મેટમાં રમાશે ક્રિકેટ સ્પર્ધા
પુરુષ અને મહિલા બંને વર્ગની તમામ મેચો T20 ફોર્મેટમાં રમાશે અને તેને સત્તાવાર આંતરરાષ્ટ્રીય દરજ્જો મળશે. મહિલા ક્રિકેટ સ્પર્ધા 17થી 22 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાશે, જ્યારે પુરુષોની સ્પર્ધા 24 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2026 સુધી રમાશે.
ભારતીય મહિલા ટીમની શરૂઆત જાપાન સામે
ભારતીય મહિલા ટીમ પણ સીધી ક્વાર્ટર ફાઇનલમાં રમશે અને પોતાની પ્રથમ મેચમાં યજમાન જાપાનનો સામનો કરશે. આ મુકાબલાની વિજેતા ટીમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશ અથવા ચીન સામે ટકરાશે. બીજી તરફ પાકિસ્તાન અને થાઇલેન્ડ વચ્ચેની ક્વાર્ટર ફાઇનલની વિજેતા ટીમનો મુકાબલો શ્રીલંકા અથવા મલેશિયા સામે થશે. જેના કારણે મહિલા વર્ગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર ફાઇનલમાં જ શક્ય બનશે.




Leave a Comment