અક્ષર પટેલ હાલમાં ભારત માટે 99 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. ચોથી મેચમાં મેદાન પર ઉતરતાં જ તે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ પાછળ છોડી દેશે. ધોનીએ ભારત માટે 99 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જ્યારે અક્ષર હવે 100મી મેચ સાથે નવો માઈલસ્ટોન હાંસલ કરવાની તૈયારીમાં છે.
100 ક્લબમાં એન્ટ્રી કરશે અક્ષર
અત્યાર સુધી ભારત માટે માત્ર ચાર જ ખેલાડીઓએ 100થી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમાં રોહિત શર્મા 161 મેચ સાથે ટોચ પર છે, જ્યારે હાર્દિક પંડ્યા 138, વિરાટ કોહલી 127 અને સૂર્યકુમાર યાદવ 115 મેચ સાથે આગળ છે. અક્ષર પટેલ હવે આ એલિટ ક્લબમાં સામેલ થવા તૈયાર છે.
બેટ અને બોલથી આપ્યો છે મોટો ફાળો
અક્ષર પટેલે અત્યાર સુધી ભારત માટે 99 T20 મેચમાં 746 રન બનાવ્યા છે અને સાથે 101 વિકેટ પણ ઝડપી છે. ઇંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં હેરી બ્રુકને આઉટ કરીને તેણે પોતાની 100મી વિકેટ પૂરી કરી હતી. આ સાથે તે ભારત માટે T20માં 100 વિકેટ લેતો પ્રથમ સ્પિનર પણ બન્યો હતો.
ચોથી મેચમાં મોટી અપેક્ષા
હાલની સીરીઝની પ્રથમ ત્રણ મેચમાં અક્ષર પટેલનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. તેણે ત્રણ મેચમાં માત્ર 15 રન બનાવ્યા છે અને 2 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં ચોથી T20માં તેની પાસે માત્ર રેકોર્ડ જ નહીં, પરંતુ જોરદાર કમબેક કરવાની પણ મોટી તક રહેશે.
ત્રીજી મેચમાં ભારતની કરૂણ હાર
નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી ત્રીજી T20માં ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામે 125 રને શરમજનક હાર ભોગવવી પડી હતી. 202 રનના લક્ષ્યાંકનો પીછો કરતી ટીમ ઈન્ડિયા માત્ર 76 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી અને ટીમના 7 બેટ્સમેન ડબલ ડિજિટનો આંકડો પણ પાર કરી શક્યા નહોતા.




Leave a Comment