ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી ટી-20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રને હરાવીને શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. આ સીરીઝ જીતની સાથે જ ભારતના 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો છે. સમગ્ર સિરીઝમાં સૌથી વધુ 151 રન બનાવનાર વૈભવને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ એવોર્ડ જીતનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
ટી-20 મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો વૈભવ
હરારે ખાતે રમાયેલી આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 49 બોલમાં 81 રનની આક્રમક ઈનિંગ રમી હતી, જેના માટે તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ પણ પસંદ કરવામાં આવ્યો હતો. વૈભવ આ વર્ષે ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ 86 છગ્ગા ફટકારી ચૂક્યો છે.
મેચ અને સિરીઝના મુખ્ય રેકોર્ડ્સ:
પ્લેયર ઓફ ધ સિરીઝ જીતનાર સૌથી યુવા ખેલાડી: વૈભવે 15 વર્ષ અને 121 દિવસની ઉંમરે આ એવોર્ડ જીતીને અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહમાન (16 વર્ષ 328 દિવસ)નો રેકોર્ડ તોડ્યો છે.
સચિન તેંડુલકરનો રેકોર્ડ તૂટ્યો: 15 વર્ષ 121 દિવસની ઉંમરે પ્લેયર ઓફ ધ મેચ બની વૈભવ ભારતનો સૌથી યુવા ખેલાડી બન્યો છે. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ (17 વર્ષ 112 દિવસ) તોડી નાખ્યો છે. વિશ્વમાં સિયેરા લિયોનના એલુસિન તુરે (15 વર્ષ 74 દિવસ) બાદ વૈભવ બીજા સ્થાને છે.
16 વર્ષની ઉંમર પહેલા બીજી ફિફ્ટી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 16 વર્ષની ઉંમર પહેલા બે અડધી સદી (50+) ફટકારનાર વૈભવ વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
મયંક યાદવનો ધમાકો: ભારતીય ફાસ્ટ બોલર મયંક યાદવે ટી-20માં ત્રીજી વખત ઇનિંગ્સના પ્રથમ બોલ પર વિકેટ ઝડપીને ભુવનેશ્વર કુમારના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
અભિષેક શર્માનો અણગમતો રેકોર્ડ: આ સીરિઝમાં માત્ર 11 રન બનાવીને અભિષેક શર્મા 3 મેચની ટી-20 સિરીઝમાં સૌથી ઓછો સ્કોર કરનાર ભારતીય ઓપનર બન્યો છે. તેણે શિકર ધવન (19 રન, 2018)નો રેકોર્ડ તોડ્યો છે.
મેચની યાદગાર ક્ષણો (Top Moments):
પ્રથમ બોલે ચોગ્ગો અને 102 મીટરની સિક્સર: વૈભવ સૂર્યવંશીએ ઇનિંગના પહેલા જ બોલે ચોગ્ગો ફટકારી ખાતું ખોલ્યું હતું. ત્યારબાદ ૧૩મી ઓવરમાં સિકંદર રઝાના બોલ પર 102 મીટર લાંબો વિશાળ છગ્ગો ફટકાર્યો હતો.
બ્રેડ ઇવાન્સનો અદ્ભુત કેચ: 15મી ઓવરમાં ઝિમ્બાબ્વેના ફિલ્ડર બ્રેડ ઇવાન્સે ડાઇવ લગાવીને વૈભવ સૂર્યવંશીનો શાનદાર કેચ ઝડપી તેની ઇનિંગ્સનો અંત આણ્યો હતો.
ઈશાન કિશનથી કેચ છૂટ્યો: મેચની 7મી ઓવરમાં અશોક શર્માના બોલ પર વિકેટકીપર ઈશાન કિશને બેન કરનનો સરળ કેચ છોડી દીધો હતો, જે બાદ ઈશાને હાથ બતાવીને બોલરની માફી માગી હતી.




Leave a Comment