કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અનાક્કામપોયલ-મેપ્પાડી ટનલ રોડ પ્રોજેક્ટ નજીક થયેલા ભૂસ્ખલનમાં બે લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ટનલ પ્રોજેક્ટ નજીક કાટમાળ ધસી પડ્યો, શ્રમિકો ફસાયા
આ દુર્ઘટના વાયનાડ અને મલપ્પુરમ જિલ્લાને જોડતા અનાક્કામપોયલ-મેપ્પાડી ટનલ રોડ પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પાસે, કલ્લાડી વિસ્તારમાં મીનાક્ષી બ્રિજ નજીક બની હતી. ભારે વરસાદના કારણે અચાનક ભૂસ્ખલન થતાં ત્યાં કામ કરી રહેલા શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, બે લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકો હજુ પણ અંદર ફસાયેલા હોવાની ભીતિ છે. કાટમાળમાંથી અત્યાર સુધીમાં છ ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
‘આ કુદરતી નહીં, માનવસર્જિત દુર્ઘટના’— મંત્રીનો ગંભીર આક્ષેપ
આ ઘટનાને લઈને કેરળ સરકારના મંત્રી ટી. સિદ્દીકે ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તેમણે આ ભૂસ્ખલનને કુદરતી નહીં પરંતુ ‘મેન-મેડ લેન્ડસ્લાઇડ’ ગણાવ્યું છે. તેમના મુજબ, જિલ્લા કલેક્ટરે અગાઉથી જ કોંકણ રેલવે અને સંબંધિત તંત્રને આ સ્થળે જોખમ અંગે ચેતવણી આપી હતી, છતાં જરૂરી પગલાં લેવામાં આવ્યા નહોતા. 20 જૂનના રોજ સાઇટ પરથી માટી હટાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ ન થવાને કારણે હવે આ મોટી દુર્ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
NDRF, ફાયર ટીમો અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કાર્ય શરૂ
અધિકારીઓના અનુસાર, છેલ્લા 24 કલાકમાં વાયનાડ વિસ્તારમાં 265 મીમી જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. NDRFની વાયનાડ અને કોઝીકોડની બે ટીમો સહિત કુલ 60 જવાનો બચાવ કામગીરીમાં જોડાયા છે. ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસના જવાનો પણ સ્થાનિક લોકોની મદદથી કાટમાળ હટાવી રહ્યા છે. દુર્ઘટનાની ગંભીરતાને જોતા કેરળના મુખ્યમંત્રીએ તાત્કાલિક કટોકટી બેઠક બોલાવી છે અને સંબંધિત મંત્રીઓને ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરીની દેખરેખ રાખવા સૂચના આપી છે.




Leave a Comment