અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા ભક્તિ અને ઉત્સાહ વચ્ચે આગળ વધી રહી છે. બપોર બાદ ભગવાન જગન્નાથજીનો રથ કાલુપુર થઈને તેમના મોસાળ ગણાતા સરસપુર ખાતે પહોંચ્યો હતો. ભગવાનના આગમન સાથે સમગ્ર વિસ્તાર ‘જય જગન્નાથ’ના જયઘોષ અને પુષ્પવર્ષાથી ગુંજી ઉઠ્યો હતો.
સરસપુરમાં પરંપરાગત મામેરાની તૈયારીઓ
સરસપુરમાં દર વર્ષની પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીનું ભવ્ય મામેરું કરવામાં આવશે. લાખો શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો મોટી સંખ્યામાં સરસપુરમાં ઉમટી રહ્યા છે અને સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો છે. ત્રણેય રથ હાલ સરસપુર મોસાળમાં પહોંચ્યા છે. અહીં ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો છે. અહીં ભગવાન એક કલાક જેટલો સમય રોકાણ કરશે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજીનું મામેરું રથ સુધી લાવવામાં આવ્યું છે.
કાલુપુરમાં ગરમીના કારણે ભક્ત બેભાન
રથયાત્રા દરમિયાન કાલુપુર વિસ્તારમાં ભારે ભીડ અને અસહ્ય ગરમી વચ્ચે એક દર્શનાર્થી અચાનક બેભાન થઈ ગયો હતો. ઘટના બનતા જ સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપ્યા બાદ ભક્તને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પુરીમાં ત્રણેય પવિત્ર રથ મંદિર સમક્ષ ગોઠવાયા
બીજી તરફ ઓડિશાના પુરીમાં પણ વિશ્વવિખ્યાત રથયાત્રા ધામધૂમથી ચાલી રહી છે. ભગવાન જગન્નાથજીનો નંદીઘોષ, ભાઈ બલભદ્રજીનો તાલધ્વજ અને બહેન સુભદ્રાજીનો દર્પદલન રથ મુખ્ય મંદિરના સિંહદ્વાર સામે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગોઠવવામાં આવ્યા છે. હવે પરંપરાગત છેરા પહરા વિધિ બાદ લાખો ભક્તો ભગવાનના રથોને ગુંડિચા મંદિર તરફ ખેંચશે.




Leave a Comment